અમદાવાદ RTO ઓ તરફથી એક ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે અરજદારો દ્વારા કરવામાં આવતી અરજીઓમાં અરજદારોનો ટેસ્ટ લીધા વિના ડ્રાઇવીંગ લાયસન્સ ઇસ્યુ કરવામા આવે છે. તે ઉપરાંત ટેસ્ટમાં નાપાસ થયેલા અરજદારોને ટેકનીકલ રીતે છેડછાડ કરી પાસ કરાય છે અને ટેકનીકલ છેડછાડ કરી ડ્રાઇવીંગ લાયસન્સ આપવામા આવતું હોવાની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેરમાં ડ્રાઇવીંગ ટેસ્ટ આપ્યા વગર ડ્રાઇવીંગ લાયસન્સ ઇસ્યુ થતા હોય તેમજ ટેકનીકલ છેડછાડ કરીને લાયસન્સ ઈશ્યુ કરાયા હોવાનું તપાસમાં ખુલતાં તેમાં RTO અધિકારી તેમજ એજન્ટોની સંડોવણી સામે આવી હતી. આ ગુનાની તપાસમાં સમીર રતનધારીયા જયદિપસિહ ઝાલા તથા ભાવીન શાહની અટકાયત કરાઈ હતી. આરોપીઓને કોર્ટમાં રજુ કરીને બે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અમદાવાદમાં આર્મીના નામે લાયસન્સ બનાવવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. આર્મી કેન્ટોનમેન્ટના સરનામા આધારે બોગસ ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવાના મામલે આરોપીઓની ધરપકડ કરાઈ હતી. આ કૌભાંડમાં ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ દ્વારા કાશ્મીરથી ઝડપાયેલા આરોપીનુ પાકિસ્તાન કનેક્શન હોવાની આશંકાએ તપાસ શરુ કરી છે. કાશ્મીરી આરોપી તરફ અન્ય એજન્સીઓની પણ નજર મંડરાયેલી છે અને રેકેટમાં ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ હતી.