અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ની અધ્યક્ષતામાં ધંધુકા તાલુકાના પચ્છમ ગામ ખાતે રાત્રિસભા યોજાઈ હતી, જેમાં કલેક્ટરએ ગ્રામજનો સાથે વિવિધ પ્રશ્નો સંદર્ભે સંવાદ સાધ્યો હતો.
પચ્છમ ગામના ગ્રામજનોના વિવિધ પ્રશ્નો જેમ કે, મહેસૂલ, શિક્ષણ, વીજળી, આંગણવાડી જેવા અનેક પ્રશ્નો કલેક્ટરએ સાંભળ્યા હતા અને સંબંધિત અધિકારીઓ સાથે તે મુદ્દે ચર્ચા કરીને સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગ્રામજનોની રજૂઆત કલેકટરએ ધ્યાનપૂર્વક સાંભળી નિયત સમયમાં પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. તથા અમુક પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવ્યા હતા. આ ઉપરાંત જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.એ ગામમાં થઈ રહેલા વિકાસનાં કામોની પણ સમીક્ષા કરી હતી.
આ રાત્રિસભામાં જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે. એ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓથી લોકોને માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત ગ્રામજનો સાથે સ્થાનિક પ્રશ્નો બાબતે વિગતે ચર્ચા કરી હતી.
આ રાત્રિસભામાં પ્રાંત અધિકારી વાય.પી. ઠક્કર, ધંધુકાના ઇન્ચાર્જ મામલતદાર કે.બી. ચાંદલિયા ઉપરાંત મહેસૂલ, શિક્ષણ, આરોગ્ય, વીજ, પોલીસ સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.