અમદાવાદઃ શહેરમાં નશીલા માદક દ્વવ્યોની હેરાફેરીના કેસ વધી રહ્યાં છે. વિદેશી દારૂ, ડ્રગ્સ અને ગાંજા જેવા માદક દ્વવ્યોની હેરાફેરી કરતાં ગુનેગારો બેફામ બની ગયાં છે. અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં ઠાલવવામાં આવતો આ નશીલા પદાર્થોનો જથ્થો બેફામ પણે વેચાઈ રહ્યો છે. ત્યારે પોલીસે બાતમીને આધારે ટ્રકમાં ગેરકાયદે હેરાફેરી કરાતો 1.40 લાખની કિંમતનો 14 કિલો ગાંજો એસઓજીએ ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે એસઓજીએ શહેરમાં નશાની બદીને અટકાવવા માટે કર્મચારીઓને સૂચના આપી હતી. આ દરમિયાન પેટ્રોલિંગમાં રહેલા એસઓજીના અધિકારીઓને ખાનગીમાં બાતમી મળી હતી કે એક ટ્રકમાં ગાંજાની હેરાફેરી થઈ રહી છે જે તારાપુર હાઈવેથી રાજકોટ તરફ જનાર છે. આ બાતમીને આધારે એસઓજીના અધિકારીઓએ વોચ ગોઠવી હતી. આ દરમિયાન ટ્રકનો ડ્રાઈવર તથા તેનો મિત્ર મહારાષ્ટ્રથી ગાંજો લાવીને બગોદરા હાઈવે થઈને રાજકોટ તરફ જઈ રહ્યો હતો. વોચમાં રહેલા અધિકારીઓએ રાજકોટના આરિફ બાબર તથા દાઉદ સામદારને ઉભા રાખીને ટ્રકમાં જડતી લીધી હતી.
ટ્રકમાંથી પોલીસને 1.40 લાખની કિંમતનો 14 કિલો ગાંજો મળ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ હજાર રૂપિયા રોકડા, ત્રણ નંગ મોબાઇલ, ટ્રક, ટ્રકમાં ભરેલા સ્ક્રેપના ગઠ્ઠા મળી કુલ 55.47 લાખનો મુ્દ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ બંને આરોપીઓની અટકાયત કરી હતી. જ્યારે કુણાલ ચગ અને દિલીપ નામના આરોપીઓ ફરાર હોવાથી પોલીસે તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.