અમદાવાદમાં સાબરમતીની નવી મધ્યસ્થ જેલના બોડીસ્કેનર રૂમમાં કાચા કામના કેદી પાસેથી મંગળવારે બપોરે ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. પોલીસ તપાસમાં ગાંજાનો જથ્થો આરોપીને કોર્ટ મુદતે મળવા આવેલા ઓઢવના મનુ નામના શખ્સે આપ્યાનો ઘટસ્ફોટ થયો છે. રાણીપ પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સાબરમતી જેલમાં જેલર તરીકે ફરજ બજાવતાં બળવંતસિંહ ઈશ્વરસિંહ રાવએ સાબરમતી જેલમાં ભગત યાર્ડમાં રાખવામાં આવેલા કાચા કામના કેદી એવા આરોપી જાવેદખાન ઉર્ફ ઠાકરે મકસુદખાન પઠાણ વિરૂદ્ધ રાણીપ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ ફરિયાદ કરી છે. જે મુજબ મંગળવારે બપોરે ફરિયાદી ડયુટી જેલર તરીકે ફરજ પર હાજર હતા. તે સમયે બપોરેના સમયે કોર્ટ મુદતથી આરોપી જાવેદખાનને જેલમાં લાવવામાં આવ્યો હતો. આરોપીને બોડી સ્કેનર રૂમમાં ચેક કરતા આંતરવસ્ત્રમાં કંઈક શંકાસ્પદ વસ્તુ છૂપાવ્યાની વિગતો જોવા મળી હતી. જેના પગલે અંગજડતી રૂમમાં આરોપીને ચેક કરવા માટે લાવતા એક ગાંજાની પડીકી મળી આવી તેમજ તેના નીચે પડેલા રૂમાલમાંથી ગાંજાની બીજી છ પડીકી મળી આવી હતી. આમ, 27.650 મીલીગ્રામ ગાંજો રૂ.157ની મત્તાનો આરોપીએ જૂદી જૂદી સાત પડીકીમાં ભર્યો હતો. પોલીસ તપાસમાં આરોપીએ જણાવ્યું હતું કે, તે જેલમાં હત્યાની કોશિષના ગુનામાં આવ્યો ત્યારે જેલમાં રહેલા ઓઢવ છોટાલાલની ચાલી ખાતે રહેતાં આરોપી મનુ ઉર્ફ મનીયા સાથે મિત્રતા થઈ હતી. આ મનુ કોર્ટ મુદતમાં મળવા આવ્યો ત્યારે ગાંજો આપી ગયો હતો. આ જથ્થો પોતાને પીવા માટે લાવ્યાનું આરોપીએ જણાવ્યું હતું.