અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે શહેર પોલીસ દ્વારા સુરક્ષાને લઈને સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. શહેરમાં બહારથી આવતા વિદેશી દારૂ અને ડ્રગ્સ સહિતની બાબતોને રોકવા માટે પોલીસ સક્રિય થઈ ગઈ છે. ત્યારે શહેરમાં ગેરકાયદે ઘૂસાડાતા હથિયારો સાથે બે ઈસમોની શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેર ક્રાઈમ બ્રાંચના કર્મચારીઓને બાતમી મળી હતી જેના આધારે કાર્યવાહી કરતાં મુળ ઉત્તર પ્રદેશના રહેવાસી સાદાબઆલમ શેખ જે હાલમાં દાણીલીમડા વિસ્તારમાં રહે છે. જ્યારે બીજો એક ઈસમ રબનવાઝખાન પઠાણ જે હાલમાં ફતેવાડીમાં રહે છે. આ બંને ઈસમોને બે પિસ્ટલ, તમંચા-5 તથા જીવતા કારતૂસ નંગ 15 સાથે પકડી પાડવામાં આવ્યાં હતાં. પોલીસે કુલ 57 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સાદામ આલમ શેખ મુળ ઉત્તરપ્રદેશના કાનપુરનો રહેવાસી છે. તેણે કાનપુરથી હથિયારો ખરીદીને અમદાવાદ તથા સૌરાષ્ટ્રમાં વેચવા માટે લાવ્યો હતો. તેણે બે હથિયારો તેના સાગરિત રબનવાઝખાન પઠાણને આપતાં પોલીસે બંને જણાને સ્થળ પરથી જ હથિયારો સાથે ઝડપી લીધા હતાં.