ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અચાનક જ સવારે અમદાવાદ શહેરના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિરમાં પૂજા અને આરતી કરી હતી. આ સાથે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મુખ્યમંત્રીને ભગવાન જગન્નાથની તસવીર આપીને સન્માન કરવામાં આવ્યુ હતું. કેન્દ્રમાં ભાજપ સરકારના નવ વર્ષ પૂર્ણ થતા વિશેષ જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથ મંદિરની મુલાકાત લઈ અને મંદિરના મહંત તેમજ ટ્રસ્ટીને નવ વર્ષ પૂર્ણ થયાની પુસ્તિકા આપી હતી.
આગામી 20 જૂને યોજાનારી રથયાત્રા પહેલા આજે મુખ્યમંત્રી દ્વારા તથા જગન્નાથ મંદિરની મુલાકાત લેવામાં આવી હતી. મુખ્યમંત્રીએ પોતાના વિશેષ જન સંપર્ક અભિયાનની શરૂઆત અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરથી કરી હતી. તેઓએ ભગવાનના દર્શન કરી અને આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ વિશેષ જન સંપર્ક અભિયાનની શરૂઆત કરતા તેઓએ મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાને પુસ્તિકા આપી હતી. મુખ્યમંત્રીની સાથે શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ, મહામંત્રી ભૂષણ ભટ્ટ સહિત ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા.
ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા આગામી 4 જૂનના રોજ જળયાત્રા યોજાવાની છે, જે જળયાત્રા જગન્નાથ મંદિરથી શોભાયાત્રારૂપે સાબરમતીના સોમનાથના ભુદરના આરે ગંગા પૂજન માટે જશે. 108 કળશમાં જળ ભરીને લાવવામાં આવશે. બાદમાં ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. જળયાત્રાના મુખ્ય અતિથિ તરીકે અમદાવાદના શિવાનંદ આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ રહેશે. જળયાત્રાના મુખ્ય યજમાન તરીકે કનીજ ગામના ગાલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સન્ની પ્રોડક્શનના સન્ની અશ્વિનભાઈ દેસાઈ અને સધી માતા પરિવાર છે. જળયાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ સહિત શહેરના ધારાસભ્યો, કોર્પોરેટરો અને ભાજપ શહેર સંગઠનના નેતાઓ હાજર રહેશે. તમામને જળયાત્રામાં હાજર રહેવા માટે થઈ અને આમંત્રણ આપી દેવામાં આવ્યું છે.