ગુજરાત યુનિવર્સિટીમાં ખાનગી કંપનીને બિલ્ડીંગ ભાડે આપવા મામલે તથા IETS નું કોચિંગ સેન્ટર શરૂ કરવા મામલે NSUI એ વિરોધ કર્યો હતો. NSUI એ કુલપતિ વિરોધી સૂત્રોચ્ચાર કરી યુનિવર્સિટીની અંદર જવાનો પ્રયત્ન કરતા પોલીસે NSUI ના કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી.
ગુજરાત યુનિવર્સિટીમાં ખાનગી કંપનીને ઓફિસ ભાડે આપવા મામલે તથા IELTS ના કોચિંગ સેન્ટર શરૂ કરવા મામલે વિરોધ ચાલી રહ્યો છે. NSUI ના કાર્યકરોએ યુનિવર્સિટી ટાવરમાં કુલપતિ હાય હાય અને VC તુમ એક કામ કરો સાડી પહેન કે ડાન્સ કરોના સુત્રોચ્ચાર કર્યા હતા. અંદર પ્રવેશ કરવા જાળી તોડવાનો પણ પ્રયત્ન કર્યો હતો. પોલીસે કાર્યકરોની અટકાયત શરૂ કરીને ટાવરની સીડીમાંથી ઘસેડી પોલીસ વેનમાં બેસાડયા હતા.
NSUI ના કાર્યકર્તાઓએ જણાવ્યુ હતું કે યુનિવર્સિટીનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. અગાઉ બિલ્ડીંગ ભાડે આપ્યા હતા હવે ખાનગી કંપનીને કોચિંગ સેન્ટર શરૂ કરવા આપ્યું છે. સિન્ડિકેટ સભ્યોની ભલામણથી ખાનગી કંપનીને પરવાનગી આપવામાં આવી છે. કુલપતિની જાણ બહાર બારોબર સેન્ટર શરૂ પણ થઈ ગયું છે. તાત્કાલિક MOU રદ કરવામાં આવે નહિ તો અમારો વિરોધ યથાવત રહેશે.