અમદાવાદનાં એસજી હાઈવે અને સિંધુ ભવન રોડ પર પોલીસે અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું. એસજી હાઇવે પરના દરેક ચાર રસ્તે વાહન ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. પોલીસના ચેકિંગને લઈને વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. પોલીસે આ ડ્રાઈવ દરમિયાન 50થી વધુ વાહનો ડિટેઈન કર્યા હતાં અને 15 લોકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતાં. પોલીસ દ્વારા આ ડ્રાઈવ દરમિયાન ડ્રન્ક એન્ડ ડ્રાઈવના કેસ કરવામાં આવ્યા હતા.
એસજી હાઇવે પર મોડી રાત સુધી અસામાજિક તત્ત્વોની પણ હાજરી હોય છે. જેથી પોલીસ કમિશનર દ્વારા સાંજે જ આદેશ આપવામાં આવ્યો કે સમગ્ર એસજી હાઇવે તથા સિંધુ ભવન રોડ પર વાહન ચેકિંગ હાથ ધરવું. સાંજે 7 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. લોકોની અવરજવરથી ભરચક રહેતા રોડ પર ગઈકાલે મોટી સંખ્યામાં પોલીસ પણ જોવા મળી હતી, જેથી અસામાજિક તત્ત્વોના મનમાં પણ ડર ઊભો થયો હતો.
પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન 50 થી વધુ વાહનો ડિટેઈન કરવામાં આવ્યાં હતાં. ગાડીમાં કાળા કાચ હોય એની ફ્રેમ કાઢવામાં આવી હતી અને કેટલીક ગાડી જમા પણ કરવામાં આવી હતી. મોડિફાઇ કરેલા સાયલેન્સર હોય એવી બાઇક પણ જમા કરવામાં આવી હતી. બાઇક કે કારમાં દંડા કે હથિયાર રાખેલાં હોય એવાં વાહન પણ જમા કરવામાં આવ્યાં હતાં. રસ્તામાંથી દારૂ પીધેલી હાલતમાં કેટલાકને પોલીસને ઝડપ્યા હતા. પોલીસે 3 કલાક દરમિયાન 15 પ્રોહિબિશનના કેસ પણ કર્યા હતા.આ ડ્રાઈવમાં ઝોન-1 ડીસીપી, 2 એસીપી,પીઆઇ સહિત મોટી સંખ્યામાં પોલીસનો કાફલો હતો.