આજરોજ નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં ઓનલાઇન 1545.47 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. જેમાં 78.88 કરોડના કામોનું લોકાર્પણ અને 1466.59 કરોડના કામોનું ખાતમૂર્હત કરવામાં આવ્યું છે. આ કામો ડ્રેનેજ પ્રોજેક્ટના છે, જેમાં બાપુનગર વોર્ડમાં લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે 30 એમએલડીનો નવો એસટીપી પ્લાન્ટ બનાવવાની કામગીરીનો પણ સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ, શહેરના ધારાસભ્યો, પૂર્વ ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત તમામ ધારાસભ્ય અને ચેરમેન, ડે.ચેરમેન, કોર્પોરેટરો, મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસન અને અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવાસ યોજના અને વિવિધ પ્રોજેકટના રૂપિયા 1,545 કરોડના કાર્યોનું ઇ- લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર ઔડા દ્વારા બનાવેલા વિવાદાસ્પદ મુમુતપુરા ઓવરબ્રિજનું ઉદ્ઘાટન થતા હવે રિંગ રોડ પર 50,000થી વધુ વાહનચાલકોને રાહત થશે. બાપુનગર લાલ બહાદુર શાસ્ત્રી ખાતે 30 MLDનો નવો એસટીપી પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે, જેનું પણ વડાપ્રધાન હસ્તે લોકાર્પણ કરાયું છે. અમદાવાદમાં પાલડી ટાગોર હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગોતામાં 28.63 કરોડના ખર્ચે વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન, 27.17 કરોડના ખર્ચે ઓડ કમોડ સુધી પાઇપાલન નાંખવી, 63.58 કરોડના ખર્ચે મહેનતપુરાના છાપરાના રિડેવલપમેન્ટની કામગીરી, 267.67 કરોડના ખર્ચે નરોડા પાટીયાથી ગેલેક્સી સુધી ઓવર બ્રિજ, 127.67 કરોડના ખર્ચે વાડજ ખાતે ઓવર બ્રિજ, 103.63 કરોડના ખર્ચે સત્તાધાર જંકશન પર ઓવર બ્રિજ, 641.02 કરોડના ખર્ચે શહેરના રોડ બનાવવાની કામગીરી મળી કુલ રૂ. 1466.59 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં શહેરી અને ગ્રામીણ યોજનાના સાત લાભાર્થીઓને તેમના ઘરની ચાવીનું વિતરણ કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદીએ વીડિયો લિંક દ્વારા લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. ત્યારબાદ કાર્યક્રમને અનુરૂપ સંબોધન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) પર એક ટૂંકી ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. શહેરી વિસ્તારના 4000 લાભાર્થીઓ અને ગ્રામીણ વિસ્તારના 3000 મળીને કુલ 7000 લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા છે.