અમદાવાદમાં આજે ભરબપોરે ભીષણ આગ લાગ્યાની ઘટના સામે આવી હતી. બાપુનગર ખાતે આવેલા ફટાકડાબજારમાં એક ફટાકડાની ફેક્ટરીમાં અગનજ્વાળા ભભૂકી હતી. એને પગલે અફરાતફરી મચી ગઈ હતી. આ આગને પગલે અનેક લોકો ઘાયલ થયા હતા. ભીષણ આગને પગલે એકસાથે 25 દુકાન સળગી ગઈ હતી અને સમગ્ર આકાશ આગના ધુમાડાથી ઢંકાઈ ગયું હતું અને દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઊડી રહ્યા હતા. આગ એટલી ગંભીર હતી કે એને બુઝાવવા માટે અમદાવાદની ફાયરબ્રિગેડની તમામ ગાડીઓ ત્યાં પહોંચી ગઈ હતી. આ આગની ઘટનામાં હાલમાં નુકસાન કે જાનહાનીની કોઈ વિગતો સામે આવી નથી. આગ લાગવાનું કારણ પણ અકબંધ છે. આગની ઘટનાથી ફેક્ટરીની આસપાસના વિસ્તારોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે. બીજી તરફ આગ અન્ય ફેક્ટરીઓ સુધી પણ પહોંચી રહી છે.આગને બુઝાવવા માટે ફાયર બ્રિગેડ દ્વારા આધુનિક ઉપકરણો પણ લાવવામાં આવ્યાં છે. ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાથી ધાણીની જેમ ફટાકડા ફૂટી રહ્યાં છે. આગ વધુ પ્રસરી રહી હોવાથી આસપાસના વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યાં છે.
આ અંગે અમદાવાદ ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ બાપુનગર વિસ્તારમાં અનિલ સ્ટાર્ચ મિલ રોડ ઉપરના વિકાસ એસ્ટેટમાં ફટાકડાની દુકાનો અને ગોડાઉન આવેલા છે. જેમાં દુકાન નંબર 94 થી 114 નંબર સુધીની દુકાનવાળી લાઈનમાં આવેલા જય અંબે ટ્રેડર્સ નામના ફટાકડાની ગોડાઉનમાં આગ લાગી હતી. જેને પગલે એક સાથે ફટાકડાની 25 જેટલી દુકાનો આગની ચપેટમાં આવી ગઈ છે. આ દુર્ઘટનામાં કુલ અનેક લોકોને ઈજા થઈ છે.