પૂર્વ સ્વ.ધારાસભ્ય જયંતિ ભાનુશાળીનાં મર્ડર કેસમાં સામેલ આરોપીનો સગો ભાનુશાળી પરિવારને હેરાન કરવા સારુ ઈન્સ્ટાગ્રામ પર ફેક ID બનાવી લોકોને છેતરતો હોવાનો મામલો સામે આવ્યો છે. ઉપરાંત આ યુવાન બેંકમાં પટાવાળો હોવાનો પણ ખુલાસો થયો છે. આ મામલે પોલીસે તુરંત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે.
પ્રાપ્ત થતી વિગતો મુજબ સ્વ.જયંતિ ભાનુશાળીના નામે ફેક ઈન્સ્ટાગ્રામ ID બનાવી મોબાઈલ નંબરોનો ઉપયોગ કરી તેમજ અન્ય લોકોને હેરાન કરાતા હોવાની કરતુત ભાનુશાળીના પરિવારજનોના ધ્યાને આવી હતી. ત્યારબાદ ભાનુશાળી પરિવારે તુરંત ફેક ID બનાવનાર વ્યક્તિ સામે અમદાવાદ શહેર સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે પણ ઝડપી કાર્યવાહી કરી આરોપી રાજેશ મોતીરામ રુપારેલ (ઠક્કર)ને અંજાર ખાતેથી દબોચી લીધો હતો.
આરોપી ફેક ઈન્સ્ટાગ્રામ ID પર જે-તે વ્યક્તિઓના ફોટા, પેપરના કટીંગ તેમજ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી જુદા જુદા વ્યક્તિઓને મેસેજ મોકલી પજવણી કરતો હતો. તેમજ સ્વ.જયંતિ ભાનુશાળીના નામે ફોટા તેમજ મોબાઈલ નંબરનો ઉપયોગ કરતી જે-તે વ્યક્તિને મેસેજ કરી છેલ્લા એક મહિનાથી હેરાન કરતો હતો.
આરોપી ધોરણ-10 નાપાસ છે. આરોપી રાજેશ રૂપારેલ છેલ્લા 18 વર્ષથી કચ્છ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓપરેટીપ બેંક, અંજારમાં પટાવાળા તરીકે નોકરી કરે છે. આરોપી રાજેશ સ્વ.જયંતિ ભાનુશાળીના મર્ડર કેસમાં સામેલ આરોપી જયંતિ ઠક્કરનો સગો હોવાનું પણ સામે આવ્યું છે.