અમદાવાદમાં નશીલા દ્વવ્યોની હેરાફેરીના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે બજારમાં મળતી નશીલી કફ સિરપની બોટલો પણ પોલીસના હાથે ઝડપાઈ રહી છે. શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા ઓઢવમાં એક દુકાનમાંથી 57 હજારની કિંમતની 390 કફ સિરપની બોટલો ઝડપી પાડવામાં આવી છે. તે ઉપરાંત ક્રાઈમ બ્રાંચે આ કફ સિરપનો વેપાર કરતા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ક્રાઈમ બ્રાંચના કર્મચારીઓ જ્યારે પેટ્રોલિંગમાં હતાં ત્યારે તેમને ઓઢવ ગામ ત્રણ રસ્તા નજીક કડિયા નાકા ખાતે આવેલી વિનાયક પાવર ટુ નામની દુકાનમાંથી કોડિનનું ઘટક ધરાવતી કફ સિરપનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે દરોડો પાડતાં બાતમીમાં દર્શાવેલ સ્થળે કમલેશ કુમાવત અને વિપુલ માલવિયા નામના શખ્સો આવી કફ સિરપનો ગેરકાયદે વેપાર કરતાં હતાં.
પોલીસે તેમની પાસેથી 57 હજાર 720 રૂપિયાની 390 બોટલો સહિત 69820 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે કફ સિરપનો વેપાર કરતા બંને શખ્સોને જથ્થો આપનાર મુકેશ લુહાર નામના માણસની શોધખોળ શરૂ કરી દીધી છે. તે ઉપરાંત બે શખ્સોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.