ગુજરાત યુનિવર્સિટીમાં કેટલાક પ્રશ્નોને લઈને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયાની કામગીરી ખાનગી કંપનીને સોંપવામાં આવી હોવાથી તેમજ સિન્ડિકેટની ચૂંટણીને લઈને દેખાવો કરવામાં આવ્યાં હતાં. એનએસયુઆઈના કાર્યકરોને ટાવરમાં પ્રવેશ નહીં આપતાં જાળીઓ ખખડાવીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
યુનિવર્સિટીમાં નવા વર્ષથી શરૂ થનાર પ્રવેશ પ્રક્રિયા ઝડપથી શરૂ થાય જેથી ખાનગી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ પ્રવેશ લેવા માટે મજબૂરના થાય. ખાનગી એજન્સીને વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન સહિતની સોંપાયેલી કામગીરી રદ કરવામાં આવે તેમજ સિન્ડિકેટની ચૂંટણી સત્વરે કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એનએસયુઆઈના કાર્યકરોએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે, કુલપતિ ભાજપના ઈશારે કામ કરી રહ્યાં છે.
ગુજરાત યુનિવર્સિટીમાં નિયમ અનુસાર ચૂંટણી થતી નથી અને ગ્રાન્ટેડ કોલેજોમાં અધ્યાપકનું પ્રતિનિધિત્વ કરતા સનેટ, સિન્ડિકેટ કે ડીનનું અસ્તિત્વ નથી ત્યારે આવનારા સંજોગોમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ગ્રાન્ટેડ કોલેજોમાં અમલવારીની કરાવવા સેનેટ અને સિન્ડિકેટની જરૂર છે. ગુજરાત યુનિવર્સિટી અધ્યાપક મંડળ દ્વારા આ અંગે આગામી દિવસમાં સરકાર સાથે બેઠક કરીને સેનેટ અને સિન્ડિકેટની ચૂંટણી કરવા માંગ કરવામાં આવશે.