અમદાવાદમાં જુની વીએસ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગના પેન્ટ્રી રૂમનો સ્લેબ અચાનક ધરાશાયી થયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી. આ રૂમ બંધ હાલતમાં હતો. આ ઘટનાને પગલે તંત્ર દોડતુ થઈ ગયું હતું. છેલ્લા કેટલાય સમયથી જર્જરિત હાલતમાં રહેલા વિભાગના પેન્ટ્રી રૂમમાં આ રીતે લેબ પડતાં દોડધામ બચી ગઈ હતી, વીએસ હોસ્પિટલ છેલ્લા કેટલાય સમયથી જર્જરિત હાલતમાં છે. હોસ્પિટલનો દરેક વિભાગ અને બિલ્ડિંગમાં પોપડા ગમે ત્યારે પડે તેવી પરિસ્થિતિમાં છે.
નવું બિલ્ડિંગ બનાવવાનો મુદ્દો કોર્ટમાં ચાલે છે જૂની વીએસ હોસ્પિટલ હાલમાં કાર્યરત છે, જેમાં ગાયનેક, ઓર્થોપેડિક સહિતના 10 થી વધુ વિભાગો ચાલે છે અને તેમાં ઓપરેશન પણ થાય છે. ત્યારે આવી જર્જરિત હાલતમાં રહેલી હોસ્પિટલમાં આવી સ્લેબ પડવાની દુર્ઘટના ગમે ત્યારે બની શકે છે. જૂની વીએસ હોસ્પિટલને નવી બનાવવા માટેનું ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું છે, પરંતુ હોસ્પિટલને પાડી અને નવી બનાવવાનો મુદ્દો હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે અને નિર્ણય પેન્ડિંગ છે.