સાબરમતી નદી ઉપર રુપિયા ૮૦ કરોડથી વધુના ખર્ચ સાથે બનાવવામાં આવેલા અટલફૂટ ઓવરબ્રિજ ઉપર ચાર સ્થળે લગાવવામા આવેલા કાચ પૈકી એક સ્થળે લગાવેલા કાચમા તિરાડ પડતા મ્યુનિ.તંત્ર દોડતુ થઈ ગયુ હતુ. ૨૭ ઓગસ્ટ-૨૦૨૨ ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અટલફૂટ ઓવરબ્રિજનુ લોકાર્પણ કરવામા આવ્યુ હતુ. તિરાડ પડેલા કાચના આસપાસના વિસ્તારને બેરીકેડથી કોર્ડન કરી લેવાયો છે. આગામી ચારથી પાંચ દિવસમાં તૂટેલા કાચના સ્થાને નવો કાચ લગાવવામા આવશે.
સાત મહિના અગાઉ શહેરમાં આઈકોનિક એવા અટલફૂટ ઓવરબ્રિજનુ લોકાર્પણ કરવામા આવ્યુ એ સમયે બ્રિજ નિર્માણને લઈ મ્યુનિસિપલ વહીવટીતંત્ર અને સત્તાધીશો તરફથી અનેક પ્રકારના દાવા કરવામા આવ્યા હતા. બુધવારે બપોરના સમયે અટલફૂટ ઓવરબ્રિજ ઉપર લગાવવામા આવેલા કાચમા તિરાડ પડી હોવાની જાણ થતા મ્યુનિ.તંત્રના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. કાચમાં તિરાડ પડવાની ઘટના અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઈ.કે.પટેલે કહયુ, તંત્રને જાણ થતા જ જે સ્થળે કાચમા તિરાડ પડી છે એ સ્થળની આસપાસના વિસ્તારને કોર્ડન કરી લેવાયો છે. ઉપરાંત મુલાકાતીઓ આ સ્થળની આસપાસ જાય નહી એ માટે સિકયોરીટી ગાર્ડ પણ ફરજ ઉપર મુકવામા આવ્યા હોવાનુ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.