અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી રહી છે. પોલીસના પેટ્રોલિંગ સામે પણ સવાલો ઊભા થઈ રહ્યાં છે. બીજી બાજુ લૂંટારૂઓ અને ગુનેગારોને પોલીસનો કોઈ ડર રહ્યો જ નથી. ત્યારે શહેરના નરોડા વિસ્તારમાં ફ્રૂટ માર્કેટ સામે ધોળા દિવસે સોનીની દુકાનમાં ઘૂસીને બે લૂંટારાઓએ લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ લૂંટારાઓ બેગ લઈને જઈ રહ્યાં હતાં ત્યારે તેમને રોકતાં જ વેપારીના માથામાં બંદૂકના ઘા માર્યા હતાં. આ મામલે શહેર કોટડા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે નરોડા ફ્રૂટ માર્કેટ પાસે પેટ્રોલ પંપ નજીક શિવક્રુપા જ્વેલર્સ નામની દુકાન છે. આ દુકાનના માલિકે રોજની જેમ દુકાને પહોંચીને મોલની ગોઠવણી કરી રહ્યાં હતાં. આ દરમિયાન 10 વાગ્યાની આસપાસ અજાણ્યા બે શખ્સો હાથમાં બંદૂક લઈને મોઢે રૂમાલ બાંધીને દુકાનમાં ઘૂસી ગયા હતાં. બંદૂક બતાવીને એક શખસે લૂંટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં સંજયભાઈએ બંદૂક સાથે આવેલ શખસોનો સામનો કર્યો તો બંને શખસોએ સંજયભાઈને બંદૂક વડે મારવાનું ચાલુ કર્યું હતું. માથાના ભાગે બંદૂકના પાછળના ભાગથી માર મારી અને ઇજા પહોંચાડીને બંને આરોપીએ દુકાનની બેગ લઈને ભાગવા પ્રયત્ન કર્યો હતો.
ઇજાગ્રસ્ત હાલતમાં વેપારી સંજયભાઈએ બંને શખસોનો સામનો કરતા તેમણે બેગ છોડી દીધી હતી. જે બાદ આસપાસના લોકો પણ ભેગા થઈ હતા. જેથી બંને શખસો દુકાન બહાર નીકળીને બાઇક લઈને નાસી ગયા હતા. આ અંગે પોલીસને જાણ થતાં ડીસીપી, એસીપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઇજાગ્રસ્ત સંજયભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પર પહોંચીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.