અમદાવાદમાં ભર ઉનાળે ભૂવા પડવાની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરમાં ત્રણ જ દિવસમાં પૂર્વ વિસ્તારમાં ભૂવા પડવાની ત્રણ ઘટનાઓ સામે આવી છે. મણિનગરમાં એલજી હોસ્પિટલ અને દક્ષિણી ચોક સહિત આજે સવારે મેઘાણીનગરમાં એફએસએલ ચાર રસ્તા પાસે મોટો ભૂવો પડ્યો છે. આ ભૂવા પાસેથી જો કોઈ વાહન પસાર થાય તો આખો રોડ બેસી જાય એવી સ્થિતિ છે. તે ઉપરાંત એફએસએલ ચાર રસ્તાથી હોળી ચકલા સુધીનો રસ્તો પણ બંધ કરી દેવાયો છે.
બે દિવસ પહેલાં મણિનગર દક્ષિણી ચોક સર્કલ પર જ ભુવો પડ્યો હતો. જેને તંત્ર દ્વારા બેરીકેટ મુકીને સંતોષ માની લેવાયો છે. આજ વિસ્તારમાં 15 દિવસ પહેલાં જ 100 ફૂટના અંતરે હજુ એક ભુવો રિપેર કરવામાં આવ્યો હતો. ગુરુવારે શહેરના મણિનગર વિસ્તારમાં જ એલજી હોસ્પિટલના ગેટની સામે જ ભુવો પડ્યો હતો. હોસ્પિટલના દરવાજાની સામે જ ભુવો પડતા તાત્કાલિક તંત્ર દ્વારા ત્યાં બેરીકેટ લગાવી દેવામાં આવ્યા હતા. હોસ્પિટલ હોવાથી સતત વ્યસ્ત એવા આ રોડ ઉપર ભુવો પડતા તેને તાત્કાલિક રિપેરિંગ કરવાની જરૂરિયાત છે.