અમદાવાદમાં બહારગામથી આવતા મુસાફરોને રિક્ષામાં બેસાડીને લૂંટી લેતી ગેંગ સર્કિય થઈ છે. એક સપ્તાહ પહેલાં શહેરમાં CTM ચાર રસ્તા પાસે આવી ઠગ ટોળકીએ એક મુસાફરને રિક્ષામાં બેસાડીને તેની પાસે રહેલી થેલીમાંથી સોનાના દાગીના અને રોકડ ચોરી કરી હતી. આ બનાવ બાદ પોલીસને આ પ્રકારની ઠગાઈ કરનારાઓને ઝડપી લેવા સૂચના આપવામાં આવી હતી.
અમદાવાદ એલસીબીના અધિકારીઓ જ્યારે પેટ્રોલિંગમાં હતાં ત્યારે તેમને CTM ચાર રસ્તા પાસે મુસાફરના દાગીના અને રોકડ ચોરનાર ટોળકી અંગેની બાતમી મળી હતી. આ બાતમીને આધારે જણાવેલી જગ્યા પર પોલીસે વોચ ગોઠવીને આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. અશરફ શેખ અને શાહનવાઝ દિવાનને ઝડપી પાડીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને આ આરોપીઓ પાસેથી ૮૭,૮૨૬ રૂપિયાની કિંમતની પીળા કલરની ધાતુની રૂદ્રાક્ષની માળા નંગ-1, 54 હજારની કિંમતની પીળા કલરની ધાતુની વિંટી નંગ-1, 14 હજાર રૂપિયા રોકડા, બે નંગ મોબાઈલ ફોન તથા ઓટો રિક્ષા મળી કુલ 3.73 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.