અમદાવાદનાં હાટકેશ્વર ખાતે ૪૦ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બ્રિજને લઈ મ્યુનિ.ની મુખ્ય કચેરી ખાતે વિપક્ષ દ્વારા હલ્લાબોલ કરી કોન્ટ્રાકટર અજય ઈન્ફ્રાકોનને બ્લેક લિસ્ટ કરવા અંગે મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જો સત્તાધારીપક્ષ તરફથી કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવા કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો જાહેરહીતની અરજી કરવા વિપક્ષે ચેતવણી આપી હતી.
છેલ્લા કેટલાક દિવસથી ચાલતા હાટકેશ્વર બ્રિજના વિવાદને લઈ મ્યુનિ.કોંગ્રેસ દ્વારા ગુરુવારે બપોરે વિવિધ પ્રકારના સ્લોગન સાથેના બેનરો સાથે દાણાપીઠ કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામા આવ્યુ હતુ. વિપક્ષનેતાની આગેવાનીમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ મેયર કીરીટ પરમારને આવેદનપત્ર આપી બ્રિજના કામમા ગેરરીતી આચરનાર કોન્ટ્રાકટર અજય ઈન્ફ્રાકોનને બલેકલિસ્ટ કરવાની સાથે હવે પછી બ્રિજ માટે થનાર તમામ ખર્ચ કોન્ટ્રાકટર પાસેથી વસૂલવા માંગ કરી હતી.આ સાથે બ્રિજ નિર્માણ સાથે સંકળાયેલા કન્સલ્ટન્ટ તથા થર્ડ પાર્ટી ઈન્સપેકશન કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.