અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં તક્ષશિલા એર બિલ્ડિંગના 12 માં માળે આગ લાગવાની ઘટના બની હતી. વહેલી સવારે આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરા મચી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડના જવાનોની ટીમની સાથે તેમના અધિકારી પણ દોડી આવ્યાં હતા. ફાયર વિભાગે હાલ તો આગ પર કાબૂ મેળવ્યો છે. પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ આગની ઘટનામાં ઘરના ફર્નિચરને પણ મોટા પ્રમાણ નુકસાન પહોંચ્યું છે.
શહેરમાં છેલ્લા ઘણા સમયથી ભૂવા, આગ, મકાન ધરાશાઈ અને બાંધકામ દરમિયાન મજૂરોના મોત થવાના કિસ્સા બની રહ્યા છે. તેવામાં આજે વહેલી સવારે શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલ તક્ષશિલા એર બિલ્ડિંગના 12માં માળે આવેલા એક ફ્લેટમાં આગ લાગી હતી. આ અંગેની જાણ થતાં જ ફાયરની 5 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. તો ડેપ્યુટી કમિશ્નર રમેશ મેરજા ઘટના પણ સ્થળે પહોંચ્યા હતા. ફાયરના જવાનોએ પાણીમારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.
આ દરમિયાન ફાયરબ્રિગેડની ટીમ દ્વારા બિલ્ડિગમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. 2 વૃદ્ધ લોકોના શ્વાસ રૂંધાતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગ કયા કારણોસર લાગી હતી તે હજી સ્પષ્ટ થયું નથી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઈ નથી.