અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બનાવટી પાસપોર્ટને આધારે અમદાવાદથી દુબઇ જઇ રહેલા બાંગ્લાદેશી યુવકને ઇમીગ્રેશન વિભાગ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. છ વર્ષ પહેલા ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને જન્મના બનાવટી પ્રમાણપત્રને આધારે નામ બદલી કોલકત્તાના સરનામા પર આધાર કાર્ડ અને પાસપોર્ટ બનાવ્યા હતા. જો કે કોલકતાને બદલે અમદાવાદથી દુબઇ ફરવા માટે જતા સમયે ઇમીગ્રેશનના અધિકારીઓને શંકા જતા તેની પુછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જે અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બુધવારે મોડી સાંજના સમયે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક બૈધ્ય સાજીદ નામનો યુવક અમદાવાદથી દુબઇ જતી ફ્લાઇટમાં જતા પૂર્વે ઇમીગ્રેશનની કામગીરી પૂર્ણ કરાવવા માટે આવ્યો હતો. તેનો પાસપોર્ટ કોલકત્તાના સરનામાનો હોવાથી ઇમીગ્રેશનના અધિકારીએ પુછપરછ કરી હતી. જેમાં તેણે ખુલાસો કર્યો હતો કે તેનું સાચુ નામ રાજેન્દ્ર સરકાર હતું અને તે મુળ બાંગ્લાદેશના ઢાકામાં આવેલા મેહદી બાગ હાઉસીંગનો રહેવાસી હતો અને છ વર્ષ પહેલા તેના પિતરાઇ ભાઇ સાજીદ નેપાલ બૈધ્યની મદદથી બનાવટી જન્મપ્રમાણ પત્ર ગેરકાયદેસર રીતે ભારતમાં આવ્યો હતો. જે બાદ તેણે જન્મપ્રમાણ પત્રના દાખલાને આધારે આધાર કાર્ડ અને પાસપોર્ટ તૈયાર કર્યો હતો. જેમાં પાસપોર્ટમાં પોતાનું ખોટું નામ બૈધ્ય સાજીદ રાખ્યું હતું. આ સાથે ઇમીગ્રેશન વિભાગના અધિકારીઓએ તેની પાસેથી બાંગ્લાદેશમા તેના અસલી જન્મ પ્રમાણપત્રની નકલ પણ જપ્ત કરી હતી. જે અંગે ઇમીગ્રેશન વિભાગના અધિકારીની ફરિયાદને આધારે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી વધુ પુછપરછ હાથ ધરી છે.