યુવાધનને નશાના રવાડે ચઢાવવા માટે પૂર્વ વિસ્તારમાં ડ્રગ્સ માફિયા સક્રિય બની રહ્યા છે, છેલ્લા કેટલાક સમયથી પોલીસે અનેક લોકોને ડ્રગ્સ, ચરસ સહિતના માદક પદાર્થો સાથે આરોપીઓને ઝડપી પાડયા હતા. તેવામાં એસ.ઓે.જી, ક્રાઇમ બ્રાંચે ચોક્કસ બાતમી આધારે સારંગપુર બસ ટર્મિનલના ગેટ પાસેથી એક શખ્સને રૂ. ૩.૨૫ લાખના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડયો હતો.
એસ.ઓ.જી ક્રાઇમ બ્રાંચના એસીપી બી.સી. સોલંકીના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં ડ્રગ્સ માફિયા દ્વારા ચલાવવામાં આવતી નશાની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ચોક્કસ બાતમી આધારે પોલીસની ટીમે સાંરગપુર પાણીની ટાંકી પાસે પોલીસ વોચમાં હતી આ સમયે સારંગપુર એસ.ટી. બસ સ્ટોપ પાસે જાહેર શૌચાલય આગળથી શંકમંદ આરોપીને ઝડપી પાડયો હતો.
પોલીસે પૂછપરછ કરતા પકડાયેલો આરોપી વેજલપુર યસ કોમ્પલેક્ષ પાસે સમા સોસાયટીમાં રહેતા અબ્દુલ વાહીદભાઇ શેખ (ઉ.વ.૨૪) હોવાનું બહાર આવ્યું હતું. આરોપીની અંગ ઝડતી કરતા તેની પાસેથી ગેરકાયદેસરનો નશીલો પદાર્થ મેફેડ્રોનનો કુલ ૩૨ ગ્રામ ૪૬૦ મિલી ગ્રામ નો કિંંમત રૂ. ૩,૨૪,૬૦૦ અને બીજી ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. ૩,૩૨,૧૦૦ નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.