અમરાઇવાડી પોલીસે બુધવારે બાતમીને આધારે એક યુવકને ઝડપીને તેના ઘરેથી રૂપિયા ૧૨.૫૦ લાખની કિંમતના ૭૦ જેટલા મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા. પ્રાથમિક તપાસમાં યુવકે તેના અન્ય બે સાગરિતો સાથે મળીને તાજેતરમાં યોજાયેલા કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શોમાં ભીડનો લાભ લઇને મોબાઇલ ફોન ચોરી કર્યા હતા જે ઉત્તરપ્રદેશમાં વેચવાના હતા. જોકે મોબાઇલ ફોન લઇને ઉત્તરપ્રદેશ જાય તે પહેલાં જ તેને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસને એવી પણ માહિતી મળી છે કે અન્ય યુવકો પાસે મોટા પ્રમાણમાં ચોરીને મોબાઇલ ફોન હતા. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમરાઇવાડી પોલીસ સ્ટેશનના પીઆઇ જે વી રાઠોડ અને તેમના સ્ટાફને બાતમી મળી હતી કે અમરાઇવાડી વાઘજીભાઇ એસ્ટેટની બાજુમાં આવેલા સુંદરસીંગની ચાલીમાં રહેતો ઇન્દ્ર પંડલ શંકાસ્પદ હીલચાલ ધરાવે છે અને તેની પાસે મોબાઇલ ફોનનોે મોટો જથ્થો જોવા મળ્યો છે. જે બાતમીને આધારે પોલીસે તેની અટકાયત કરીને પુછપરછ કરી હતી. અને તેના ઘરે તપાસ કરતા વિવિધ કંપનીના ૭૦ જેટલા મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જેની કિંમત ૧૨.૫૦ લાખ રૂપિયા હતી. જે અંગે તેણે ચોંકાવનારી માહિતી આપી હતી કે તેણે તેના અન્ય બે મિત્રોની સાથે મળીને કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શોમાં ભીડનો લાભ લઇને મોબાઇલ ફોનની ચોરી કરી હતી. ઇન્દ્ર પંડલ પાસેથી મળી આવેલા મોબાઇલ ફોન ઉપરાંત, તેના અન્ય બે સાગરિતો પાસે પણ મોટા પ્રમાણમાં મોબાઇલ ફોન હોવાની શક્યતાને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
ચોરીના મોબાઇલ ફોન ઉત્તરપ્રદેશમાં વેચાણ કરવાના હતા. જ્યાં ચોરીના મોબાઇલને સસ્તામાં ખરીદી કર્યા બાદ સોફ્ટવેરની મદદથી આઇએમઇઆઇ નંબર બદલીને સ્થાનિક બજારમાં વેચાણ કરવાના હતા. જેથી પોલીસ તપાસમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે.