શહેરના પશ્ચિમ વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવતા પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે. એક જ દીવસમાં તસ્કરોએ છ કલાકના ગાળામાં સોલા, ઘાટલોડીયા અને વાડજ વિસ્તારમાં ચાર મકાનના તાળાં તોડી રૂ.૧૮ લાખની મત્તાના ચોરી કરી પોલીસના ગાલ પર તમાચો માર્યો છે. ઘાટલોડીયાના કે.કે.નગર વિસ્તારમાં ધોળે દહાડે ચોરી કરીને ઘરમાંથી બહાર નીકળતા તસ્કરો એનઆરઆઈ મહિલા અને તેના પુત્રને ધક્કો મારી ભાગ્યા હતા.શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક જ દીવસે સવારે ૯ થી બપોરે ત્રણના છ કલાકના સમયગાળામાં બનેલા ચોરીના ચાર બનાવ પાછળ એક જ ટોળકીનો હાથ હોવાની શંકા પોલીસને છે. ચોરીની ચારે ઘટનામાં તસ્કરોએ મુખ્ય દરવાજાનું લોક કે નકુચો તોડયાનું બહાર આવ્યું છે. આમ ચોરીની મોડસઓપરેન્ડી તમામ બનાવમાં સરખી જોવા મળી છે.
ઘાટલોડિયામાં ધોળે દહાડે ઘરમાંથી ચોરી કરી નીકળતા તસ્કરો શઇૈં મહિલા અને તેના પુત્રને ધક્કો મારી ભાગ્યા
ચોરીના ચાર બનાવની વિગતો જોઈએ તો ઘાટલોડીયાના પાટીદાર ચોક પાસે કે.કે.નગર સોસાયટીના સે-૪માં રહેતાં ૭૪ વર્ષીય ભાઈલાલભાઈ પુરૂષોત્તમદાસ ઠક્કરે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ ગત ડિસેમ્બર માસમાં ભાઈલાલભાઈનો યુગાન્ડા ઈસ્ટ આફ્રિકા ખાતે રહેતો પુત્ર હરિકૃષ્ણ, તેની પત્ની ભાવિનીબહેન અને સંતાનો સાથે પિતાના ઘરે આવ્યો હતો. બુધવારે બપોરે પરિવારના સભ્યો ફરિયાદીના બીજા પુત્રને ઘરે જમવા ગયા હતા. બપોરે સવા એક વાગ્યે ફરિયાદી તેમની પુત્રવધૂ ભાવિનીબહેન અને પૌત્ર ત્રણ જણા ઘરે પહોંચ્યા ત્યારે ઘરમાંથી ત્રણ શખ્સ બહાર નીકળતા હતા. આરોપીઓ ભાવિનીબહેન અને તેમના પુત્રને ધક્કો મારીને સોસાયટીના મેઈન ગેટથી ભાગ્યા હતા. ભાઈલાલભાઈએ ઘરમાં તપાસ કરતા મુખ્ય દરવાજાનું હેન્ડલ તોડી ઘૂસેલા તસ્કરોએ સોના-ચાંદીના દાગીના, રૂ.૧.૩૯ લાખની રોક્ડ મળીને ૩.૫૦ લાખ તેમજ ૧૨૦૦ અમેરિકન ડોલરની ચોરી કરી હતી.
સોલામાં બનેલા ચોરીના બે બનાવમાં સોલાના ઉગતિ પ્લેટિનમ ફલેટમાં રહેતાં બિલ્ડીંગ કોન્ટ્રેક્ટર રૂષિકભાઈ પ્રવિણભાઈ પટેલ પત્ની સાથે મકાનને લોક મારી બુધવારે સવારે ૯ વાગ્યે સાળાના ઘરે નરોડા ગયા હતા.બપોરે એક વાગ્યે રૂષિકભાઈને તેમના પિતાએ ફોન કરી મકાનનો દરવાજો ખુલ્લો હોવાની જાણ કરી હતી. તપાસ કરતા મુખ્ય દરવાજાનું લોક તોડી ઘરમાં ઘૂસેલા તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રૂ.૧.૪૫ લાખની રોક્ડ મળી કુલ રૂ.૩.૨૦ લાખની મત્તા ચોરી ગયા હતા. આ જ એપાર્ટમેન્ટમાં રહેતાં સિનિયર સિટીઝન નિતીનભાઈ શીવાભાઈ પટેલના ફલેટમાંથી તસ્કરોએ સોના ચાંદીના દાગીના અને રૂ.૩૦ હજારની રોક્ડ મળી કુલ રૂ.૬.૧૫ લાખની મત્તા ચોરી હતી. નિતીનભાઈ સોલા ભાગવત મંદીર ખાતે દર્શન કરવા ગયા હતા તેમજ તેઓના પત્ની સિમ્સ હોસ્પિટલ ખાતે નોકરી પર ગયા હતા.
ચોરીની ચોથી ઘટના નવા વાડજના તુલસીશ્યામ ફલેટમાં રહેતાં અને ફાર્મા કંપનીમાં એક્જીક્યુટીવ તરીકે ફરજ બજાવતાં તીર્થ ગોરધનભાઈ શિંગાળા (ઉં,૨૭)ના ધરે બની હતી. બુધવારે સવારે સોલા ભાગવત ખાતે આવેલા લા ફેસ્ટિવા બેનકવેટમાં તીર્થ શિંગાળાના ભત્રીજાની સગાઈનું ફંકશન હતું. તીર્થ અને પરિવારના સભ્યો મકાનને લોક કરીને ફંકશનમાં હાજરી આપવા માટે સવારે ૯.૩૦ વાગ્યે નીકળ્યા અને બપોરે અઢી વાગ્યે ઘરે પરત ફર્યા હતા. તિર્થે જોયું તો તેઓના ઘરના મુખ્ય દરવાજાનું લોક તૂટેલું હતું. ફલેટમાં તપાસ કરતા તસ્કરો સોનાના દાગીના અને રૂ. દોઢ લાખની રોક્ડ રકમ મળી કુલ રૂ. ૪,૭૦,૧૩૫ની મત્તા લઈ ગયા હતા. ચોરીના ચારે બનાવ અંગે પોલીસે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.
શેઠના ૯ લાખ ચોરી ડ્રાઈવર ગર્લફ્રેન્ડ સાથે ફરાર
વસ્ત્રાપુરના ચંદ્રપુરી એપાર્ટમેન્ટમાં રહેતાં અને એસ.જી.હાઈવે ગુરૂદ્વારા સામે અંબિકા હાઉસમાં ઓફિસ ધરાવી જમીન લે-વેચનો વેપાર કરતા યશવંતકુમાર વિઠ્ઠલભાઈ મોદી (ઉં,૭૦)એ પોતાના ડ્રાઈવર વિકાસ શરદપ્રસાદ રાજપૂત વિરૂદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બુધવારે ચોરીની ફરિયાદ નોંધાવી છે. જે મુજબ ગત તા.૧૩મી જાન્યુઆરીના રોજ ફરિયાદીએ ઓફિસના ડ્રોઅર નીચે રાખેલી ૯ લાખની રોક્ડ રકમ ચેક કર્યા બાદ વોશરૂમમાં ગયા હતા. તેઓ પરત આવ્યા ત્યારે ડ્રોઅરમાં મુકેલી રૂ.૯ લાખની રોક્ડ લઈ કોઈ ફરાર થઈ ગયું હતું. ફરિયાદીએ ડ્રાઈવરને ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો. આ ઉપરાંત ફરિયાદીની ઓફિસમાં કામ કરતી ડ્રાઈવરની મહિલા મિત્રનો ફોન પણ બંધ આવતો હતો. આમ, ડ્રાઈવર શેઠની નવ લાખની રોક્ડ રકમ ચોરી ગર્લફ્રેન્ડ સાથે ફરાર થયો હોવાની શંકા જતા ફરિયાદ નોંધાવાઈ છે.