કોરોના બાદ આખરે 3 વર્ષ પછી કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્નિવલ પાછળ મ્યુનિ. 4 થી 4.5 કરોડ જેટલો ખર્ચ કરશે. કાર્નિવલમાં સાંસ્કૃતિક, સાહિત્યિક તથા નૃત્યો મુખ્ય આકર્ષણ રહેશે.
પ્રતિદિન અંદાજે 2 થી 2.5 લાખ લોકો કાર્નિવલની મુલાકાત લે તેવી શક્યતાને ધ્યાને લઇ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જોકે આ વખતે આતશબાજી ન કરવાનો તંત્રએ નિર્ણય કર્યો છે. સળંગ 11 વર્ષ સુધી કાંકરિયા કાર્નિવલની ઉજવણી બાદ કોરોનાને કારણે 2019 થી 2021 સુધી 3 વર્ષ માટે કાંકરિયા કાર્નિવલ યોજાઈ શક્યો ન હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાર્નિવલનું ઉદઘાટન થશે. ચાલુ વર્ષે કાર્નિવલની થીમ આઝાદીનો અમૃત મહોત્સવ રહેશે. કાર્નિવલમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે. તે ઉપરાંત લોકગાયકો પણ હાજર રહેશે. હાસ્ય દરબાર અને લોકસાહિત્યના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 25 થી 31 મી ડિસેમ્બર દરમ્યાન યોજાનારા કાર્યક્રમમાં વિવિધ વિભાગના મંત્રીઓ પણ હાજર રહે તેવી શક્યતા છે.
કાંકરિયા ખાતે 3 સ્ટેજ બનાવાશે, લેસર શો, મલ્ટી મીડિયા શો વિશેષ બાળકો માટે તૈયાર કરવામાં આવશે. બાળકો માટે બે બાળનગરીનું આયોજન કરવામાં આવશે. છેલ્લા દિવસે એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર 15 થી વધારે રાજ્યોના અલગ અલગ કલાકારોની હાજરીમાં વિવિધ રંગારંગ કાર્યક્રમોનું આયોજન થશે. 2008 માં શરૂ થયેલી કાંકરિયા કાર્નિવલની પરંપરા લોકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહે છે. સાત દિવસ કાંકરિયા કાર્નિવલમાં નાગરિકોને મફત પ્રવેશ આપવામાં આવે છે.