આજે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ તેના અંતિમ ચરણમાં પહોંચી ગયો છે. આજે સોમવારે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન 14 જિલ્લાની 93 બેઠકો પર ચાલી રહ્યું છે. અગાઉ 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર સરેરાશ 63.31 ટકા મતદાન નોંધાયું હતું.
ગુજરાત ચૂંટણીના બીજા અને છેલ્લા તબક્કામાં ઘણા મોટા નામો મતદાન કરશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નામ પણ સામેલ છે. PM મોદીએ અમદાવાદની રાણીપ સ્થિત નિશાન સ્કૂલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તો સાથે જ ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના નારણપુરાના અંકુરમાં કામેશ્વર મંદિર પાસે, મ્યુનિસિપલ કોર્પોરેશન પેટા પ્રાદેશિક કાર્યાલય ખાતે મતદાન કર્યું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતદાન કરવા માટે પરિવાર સાથે મતદાન મથક પર પહોંચ્યા હતા. અમિત શાહે તેમની પત્ની અને પુત્ર સાથે નારણપુરાના મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું હતું. આ પહેલા પીએમ મોદી પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરી ચૂક્યા છે. આ સિવાય પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, હાર્દિક પટેલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.