નરોડા જીઆઈડીસી મુઠિયા બસ સ્ટેન્ડ પાસે બુટલેગરોએ મગાવેલી દારૂ ભરેલી ટ્રકમાંથી નાના-નાના વાહનોમાં દારૂ ઠાલવવામાં આવી રહ્યો હતો, ત્યારે જ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડતા બુટલેગરો અને તેના માણસો વાહનો તેમજ દારૂ ત્યાં જ મૂકીને ભાગી ગયા હતા. પોલીસે સ્થળ પરથી ત્રણ આરોપીને ઝડપી લીધા હતા, જ્યારે અન્ય 10 થી 12 આરોપી ભાગી ગયા હતા. સ્થળ પરથી પોલીસે દારૂની 732 બોટલો તેમ જ બે કાર સહિત અડધો ડઝન વાહન કબજે કર્યા હતા. નરોડા જીઆઈડીસી મુઠિયા બસ સ્ટેન્ડ પાસે જયરાજસિંહ ઉર્ફે જયેશ તેનો ભાગીદાર જ્યેશ ઉર્ફે જીગો સોલંકી તથા તેના માણસોએ વિદેશી દારૂની ટ્રક મગાવી હોવાની બાતમીના આધારે રેડ પાડી હતી. પોલીસે સ્થળ પરથી વિજયપાલ મીણા, વિજય ડામોર, સંદિપ ઉર્ફે સાંઢ અને દિલીપ ઉર્ફે બાબુ ગઢવીને દારુની 732 બોટલો, બે રિક્ષા તેમજ ટુ વ્હિલર મળીને અડધો ડઝન વાહનો સાથે ઝડપી લીધા હતી. જેની કિંમત રૂ.14.33 લાખ જેટલી થાય છે.
આ અંગે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી નાસી છૂટેલા બુટલેગર અને તેના સાગરીતોની શોધખોળ શરૂ કરી છે. હાલમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર પોલીસે સીલ કરી દીધી છે, તેમ છતાં પણ બોર્ડર ક્રોસ કરીને દારૂ ભરેલી ટ્રક નરોડા જીઆઈડીસી સુધી લાવવામાં આવી હતી. જેથી આ દારૂની હેરાફેરી પોલીસની મિલીભગતથી થતી હોવાની શંકા ઉપરી અધિકારીઓએ નકારી નથી. જ્યારે ગુજરાતમાં પણ ઠેર-ઠેર નાકાબંધી હોવા છતાં દારૂ ભરેલી ટ્રક નરોડા સુધી કેવી રીતે પહોંચી તે અંગે તપાસ શરૂ કરાઈ છે.