અમદાવાદ શહેરની 16 અને તાલુકાની 5 બેઠકો મળી એમ કુલ શહેર-જિલ્લાની 21 બેઠકો માટે 249 ઉમેદવારો આ વખતે મેદાને છે. ગઈકાલ સુધીમાં 82 જેટલા ફોર્મ પરત ખેંચાયા છે. ફોર્મ ખેંચવાનો સમયગાળો પૂર્ણ થતા ચૂંટણી ચિત્ર પણ ઉમેદવારોને લઈને અમદાવાદમાં સ્પષ્ટ થયું છે. છેલ્લા દિવસે 61 ફોર્મ પરત લેવામાં આવ્યા હતા.
અમદાવાદ જિલ્લાની કુલ 21 બેઠકો માટે હવે 249 ઉમેદવારો મેદાનમાં છે તેમાં સૌથી વધુ બાપુનગરમાં ત્રણેય મોટી પાર્ટીઓ સહીતના તમામ 29 ઉમેદવારો મેદાને છે. બાપુનગર ઉપરાંત નરોડા અને અમરાઈવાડીમાં 17-17 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે નારણપુરામાં 5 ઉપરાંત દસક્રોઈમાં 6 અને અસારવામાં 7 ઉમેદવારોએ ચૂંટણી લડી રહ્યા છે.
ત્રિપાંખિયા ચૂંટણી જંગના કારણે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં કંઈક નવા જૂની પણ થઈ શકે છે. આ વખતે ત્રિ પાંખિયા જંગમાં ચૂંટણીમાં 589 ફોર્મ ભરાયા હતા. કેટલાક ઉમેદવારોએ એકથી વધુ ફોર્મ ભર્યા હતા. આ પછી, ચકાસણી સમયે ઉમેદવારો અને તેમના સમર્થકોના ડમી ફોર્મ ભર્યા હતા જે નામંજૂર થતાં 415 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. જેમાંથી 84 ફોર્મ નામંજૂર થયા હતા અને 331 ફોર્મ માન્ય ઉમેદવારોના હતા. પરંતુ અંતિમ દિવસ સુધીમાં 82 ફોર્મ ઉમેદવારો દ્વારા પરત ખેંચાયા હતા. યોગાનુયોગ, 2017માં 249 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી જ્યારે ફોર્મ ભરનાર ઉમેદવારોની સંખ્યા 466 રહી હતી. આ વખતે ફોર્મ ગત વર્ષ કરતા વધુ ભરાયા હતા.
ખાસ કરીને અમદાવાદ એ ભાજપનો ગઢ માનવામાં આવે છે ત્યારે આ વખતે ભાજપ દ્વારા બે ઉમેદવારોને બાદ કરતા તમામ ઉમેદવારો નવા છે. નો રિપીટ થીયરી મોટાભાગની બેઠકો પર જોવા મળી રહી છે. ભાજપે ઉતારેલા ઉમેદવારોમાં યુવા ઉમેદવારથી લઈને કોર્પોરેશનમાં ચૂંટણી લડી ચૂકેલા ઉમેદવારો મેદાને છે.