ગુજરાતના અમદાવાદમાં 36 મી નેશનલ ગેમ્સનના ભાગરૂપે જિલ્લાની શાળાઓ અને કોલેજોમાં આ મહિનાની 12 થી 16 તારીખ સુધી રમતોત્સવ યોજાશે. આ કાર્યક્રમ અનુરૂપ સેલિબ્રેટિંગ યુનિટી થ્રુ સ્પોર્ટ્સ થીમ આધારિત તમામ કોલેજ યુનિવર્સીટી અને શાળાઓમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં અંદાજે પાંચ હજાર કરતા પણ વધારે રમતવીરો ભાગ લેશે.
અમદાવાદ જિલ્લામાં યોજાનારા આ કાર્યક્રમો અંગે જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે માહિતી આપતા જણાવ્યું હતું કે જી.ટી.યુ. ખાતે યોજાનારા કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ રહશે અને આ કાર્યક્રમ તારીખ 12 મીના રોજ યોજાશે. આ કાર્યક્રમમાં 11 માં ખેલ મહાકુંભની વિજેતા એવી તાલુકા કક્ષાની શ્રેષ્ટ શાળાઓ, જિલ્લા કક્ષાની 3 શ્રેષ્ઠ શાળાઓ અને રાજ્ય કક્ષાની 4 શ્રેષ્ઠ ટીમો ઉપરાંત ઇન્ટરનેશનલ સોફ્ટ ટેનિશ ખેલાડી અનિકેત પટેલ પણ હાજર રહેશે.
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલીયાએ જણાવ્યું હતું કે આ અભિયાન અંતર્ગત કબડ્ડી, રસ્સા ખેંચ, બાસ્કેટ બોલ, યોગા, ટેબલ ટેનિસ જેવી રમતોનું નિદર્શન તેમજ જુદી જુદી સ્પર્ધા યોજાશે. નોંધનીય છે કે ગુજરાતમાં પ્રથમવાર 29 મી સપ્ટેબરથી 36 મી નેશનલ ગેમ્સમાં 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રમતવીરો જુદી જુદી 36 રમતોની સ્પર્ધામાં ભાગ લેશે.