અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલ જીએસપી ક્રોપ સાયન્સ કંપનીમાં બપોરના સમયે એમોનિયા ગેસ લીકેજ થતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, આ અંગેની જાણ ફાયરને કરતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ગેસનો મુખ્ય વાલ્વ બંધ કરી વોટર સ્પ્રે કરવામાં આવ્યો હતો.
આ અંગે ફાયર બ્રિગેડે જણાવ્યું કે, ઓઢવ વિસ્તારમાં આવેલી એક કંપનીમાં ગેસ લીકેજની ઘટના બની હતી. ઓઢવ નિકોલ તેમજ નજીક ફાયર સ્ટેશન અને સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. કન્ડેન્સરના રિસિવર ગાસ્કેડમા માલફંક્શન થવાથી આશરે 200 કિલો જેટલો એમોનિયા ગેસ લીકેજ થયો હતો. બ્રિથિંગ અપ્રેટસની મદદથી મેઈન વાલ્વ બંધ કરીને વોટર સ્પ્રે કરવામાં આવેલો જેથી ગેસ ડાયલૂટ થાય અને વેન્ટિલેટ કરવામાં આવ્યું હતું.
ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર, 2 ડિવિઝનલ ઓફિસર, 3 સ્ટેશન ઓફિસર, 3 સબ ઓફિસર, 25 જેટલા ફાયર ફાઈટર સ્ટાફ, 1 મિની વોટર ટેન્ડર, 1 વોટર ટેન્કર, 1 ફાયર ફાઇટર ટેન્ડર, 1 વોટર બૌઝર, 2 ઇમરજન્સી ટેન્ડર વાન, 5 ઓફિસર વેહિકલ દ્વારા એક કલાકની જહેમત બાદ એમોનિયા ગેસ લીકેજને કાબૂમાં લેવામાં આવ્યો હતો.