અમદાવાદમાં હજૂ પણ કેટલાક વિસ્તારોમાં ફાટકો છે. જેથી એએમસી દ્વારા અમદાવાદ ફાટક મુક્ત અભિયાન અંતર્ગત 3 નવા બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદની રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે માટે 308 કરોડના ખર્ચ મનપા રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીએ મંજૂર કર્યા છે.
ખાસ કરીને શહેરમાં પશ્ચિમ વિસ્તારો જેવા કે હેબતપુર, બુટભવાની ફાટક અને મકરબા આ ત્રણ જગ્યા પર અન્ડરબ્રિજ બનાવવાનો નિર્ણય કમિટી દ્વારા લેવામાં આવ્યો છે. અમદાવાદમાં અન્ય કેટલીક જગ્યાએ પણ ફાટકો છે ત્યારે અત્યારે આ પશ્ચિમના આ 3 વિસ્તારોમાં રેલ્વે ક્રોસિંગને ફાટકમુક્ત બનાવવાનો નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. 3 ફાટકો બનાવવા માટે ખર્ચની વહેંચણી થશે જેમ કે, રેલ્વે વિભાગ અને ભારત સરકાર દ્વારા અડધું બજેટ ખર્ચ માટે આપવામાં આવશે આ ઉપરાંત સરકારના રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ દ્વારા પણ આ ખર્ચ આપવામાં આવશે.
ખાસ કરીને અમદાવાદમાં અન્ય એક સમસ્યા પડી રહેલા મોટા ખાડાઓ અને ભૂવાઓની છે ત્યારે આ કામને લઈને પણ આજે ચર્ચા થઈ હતી ત્યારે આગામી 15 સપ્ટેમ્બર પહેલા શહેરમાં પડેલા ખાડાઓ પૂરવાની સૂચના પણ જે-તે વિભાગને સોંપી દેવાઈ છે. અમદાવાદમાં 23 હજારથી પણ વધુ ખાડાઓ અને 85 આસપાસ ભૂવાઓ પડી ગયા છે. જેમાં મોટોભાગના ભૂવાઓ અને ખાડાઓ પૂરવાના કામો થઈ રહ્યા છે.