ગુજરાત સાયન્સ સિટી ખાતે શિક્ષક દિવસની ઉજવણી સાયન્સ સિટી 5 સપ્ટેમ્બર 2022 ના રોજ માત્ર શિક્ષકો માટે ખુલ્લુ રહેશે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, વિદ્વાન, ફિલસૂફ અને ભારત રત્ન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. શિક્ષકો વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય માટે પોષણ આપે છે અને તૈયાર કરે છે, તેઓ જ્ઞાન અને સમજણના પ્રતિક છે. શિક્ષકો દેશના સાચા આધારસ્તંભ છે. ગુજરાત સાયન્સ સિટી અને ગુજકોસ્ટ દ્વારા કૉમ્યુનિટી સાયન્સ સેંટર્સ સાથે શિક્ષકો પ્રતિ સન્માન વ્યક્ત કરી તેમના પ્રયત્નોને બિરદાવવા શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
ગુજરાત સાયન્સ સિટી દ્વારા ગુજકોસ્ટના સહયોગથી રિજનલ કૉમ્યુનિટી સાયન્સ સેંટર્સ દ્વારા રાજયભરના તાલુકાઓના શિક્ષકોને એજ્યુકેશન અને મનોરંજનના હબ સાયન્સ સિટીની મુલાકાત લેવા અને આત્મનિર્ભર ભારતની દિશામાં શિક્ષણને અલગ દરષ્ટિકોણથી જાણવા આમંત્રિત કરવામાં આવ્યા છે.
જાણીતા શિક્ષણશાસ્ત્રી ગિજુભાઈ ભરાડ ઉપસ્થિત આમંત્રિતોને સંબોધિત કરશે. શિક્ષકો પ્રતિ ખાસ આદરભાવ દર્શાવવા ગુજરાત સાયન્સ સિટી 5 સપ્ટેમ્બરને સોમવારે માત્ર શિક્ષકો માટે જ ખુલ્લી રાખવામા આવી છે. ગુજરાતના વિવિધ જિલ્લા -તાલુકાઓના શિક્ષકો સાયન્સ સિટી ખાતે આ ઉજવણીમાં સહભાગી બનશે. સોમવારે આમ સાયન્સ સિટી બંધ રહેતું હોય છે પરંતુ શિક્ષકો માટે ખુલ્લુ રહેશે.
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી લોકોને વિજ્ઞાન સથે જોડતું લોકપ્રિય સ્થળ બની ગયું છે. જનસમુદાયમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા ગુજરાત સાયન્સ સિટી દ્વારા સમયાંતરે આઉટરીચ પ્રોગ્રામ્સ, એક્ટિવિટીઝ, ઉજવણી કરવામાં આવે છે.