ન્યુઝ.વિરમગામ
તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા
દર 10 મિનિટે ભારતમાં રોટા વાઇરસના કારણે થતા ઝાડાથી બાળકનું મરણ થઇ રહ્યુ છે ત્યારે અમદાવાદ જિલ્લા સહિત સમગ્ર રાજ્યભરમાં રોટા વાયરસની સામે રક્ષણ આપતી રોટા વાયરસ રસી સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આપવાની શરૂઆત કરવામાં આવનાર છે. જેના માટે અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવના માર્ગદર્શન પ્રમાણે અમદાવાદ ખાતે રોટા વાયરસ વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના ડો.અનિકેત રાણા, જિલ્લા આરસીએચઓ ડો. ગૌત્તમ નાયક, ઇએમઓ ડો.ચિંતન દેસાઈ, ડીટીઓ ડો દીક્ષિત કાપડિયા, તાલુકા હેલ્થ ઓફિસરો, મેડીકલ ઓફિસરો, સી.એચ.ઓ. સહિત મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે, ભારત સરકાર દ્વારા રોટા વાઇરસના લીધે બાળકોમાં થતાં ઝાડાને અટકાવવા માટે અને તેના લીધે બાળકોના સ્વસ્થ્યને થતાં નુકસાન અને મૃત્યુ ઘટાડવા માટે રોટા વાઇરસની રસી સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત તબક્કાવાર તમામ રાજ્યોમાં શરૂ કરવામાં આવી રહી છે. રોટા વાઇરસએ અત્યંત ચેપી વાઇરસ છે અને બાળકોમાં થતાં ઝાડાના કારણોમાંનું એક સૌથી મોટું કારણ છે.રોટા વાઇરસથી થતાં ઝાડાને અટકાવવા માટેનો એકમાત્ર ઉપાય રોટવાયરસ રસી છે. સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત,આ રસી ના ફક્ત ૩ ડોઝ બાળકોને ૬ટ્ઠા, ૧૦માં અને ૧૪માં અઠવાડિયાની ઉમરે મો વાટે અન્ય રસીઓ આપવામાં આવશે. આ રસી તમામ મમતા દિવસ, પેટા કેન્દ્રો, આરોગ્ય કેન્દ્રો, આરોગ્ય સંસ્થાઓ અને સરકારી હોસ્પિટલો ખાતે અન્ય રસીઓ સાથે આપવામાં આવશે. આ એક ખૂબ જ સુરક્ષિત રસી છે અને તેની આડઅસર સામાન્ય અને નહિવત છે. બાળકના સંપૂર્ણ રસીકરણની અંતર્ગત આ રસી સામેલ કરવામાં આવશે. આ રસી ભારત સરકાર દ્વારા ટુક સમયમાં રાજયમાં ઉપલબ્ધ કરવામાં આવશે, તે પહેલા રાજ્યના તમામ જિલ્લાના આરોગ્ય વિભાગના કાર્યકર્તાઓને આ રસી આપવા વિષે માહિતી અને ટ્રેનીંગ આપવામાં આવશે.