ગુજરાતમાં સી પ્લેનની સેવા કેવડીયા સુધી કરવામાં આવી હતી ત્યારે સી પ્લેન આવે એ પહેલા જ સી પ્લેનની જેટી સાબરમતીમાં તણાઈ ગઈ છે. સી પ્લેન જાણે નામનું જ શરુ કરાયું હોય તેમ ક્યાંય સાબરમતી પર ક્યારેક રીપેર થઈને આવે છે તો ક્યારેક જાય છે. વારંવાર મેન્ટેનન્સ માંગતુ તેમજ પેસેન્જરના અભાવે ચાલતા સી પ્લેનની સેવા ખોટવાઈ છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સી પ્લેન માટે મુકવામાં આવેલી જેટી તણાતા ટૂકડાઓ વાસણા બેરેજ સુધી પહોંચી ગયા છે. પ્લેનના રનવે ઓળખ માટે મૂકવામાં આવેલા બોયા પણ તણાઈ ગયા છે.
ખાસ કરીને અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સી પ્લેનનું ઉદઘાટન કરાયું હતું. ખાસ કરીને સી પ્લેનની સેવા બંધ થતા અનેક સવાલો પણ ઉભા થયા હતા. સી પ્લેન માટેના પ્લેનને લઈને એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, સી પ્લેન અંદાજીત 40 થી 50 વર્ષ જૂનું છે અને તેના કારણે તેને સર્વિંસમાં મૂકવું પડી રહ્યું છે. જેથી બે થી ત્રણ વાર આ સેવા ચાલુ બંધ રહી હતી પરંતુ હવે તો ઘણા સમયથી બિલકુલ બંધ જ જોવા મળી રહી છે તેવામાં હવે તેની જેટી તણાતા આ હવે આ સેવા શરુ થશે કે કેમ એ પણ સવાલ છે.
અગાઉ સી પ્લેન બંધ હોવાના કારણે એનએસયુઆઈના કાર્યકરો દ્વારા નકલી ટોય પ્લેન ઉડાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. સી પ્લેનની સેવા લગભગ છેલ્લા 1 થી વધુ વર્ષથી બંધ છે. વધુ સમયથી બંધ હોવાથી લોકો પણ સી પ્લેનની આશા અને સી પ્લેનને ભૂલી રહ્યા છે.