વિદેશ ગમનને લઈને મોટો ક્રેઝ યુવા વર્ગમાં જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં ચેતવણીરુપ કિસ્સો સામે આવ્યો છે. કેનેડા મોકલવાના બહાને 30 લોકો સાથે ઠગાઈ કરવામાં આવી છે.
યુવાનોમાં કેનેડા જાવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે ત્યારે ગઈ કાલે જ કેનેડાથી અમેરીકા ગેરકાયદેસર જતા ચાર ગુજરાતીઓ ઝડપાતા આ મામલે પણ તપાસ ચાલી રહી છે ત્યારે કેનેડામાં મોકલવાના બહારે 30 લોકો પાસેથી 1.58 કરોડની ઠગાઈ કર્યાના મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે આ મામલે વડોદરાના રવિ સુથાર અને અમદાવાદના અન્યવ સુથારના રીમાન્ડ મેળવી સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. આ બે યુવકો દ્વારા સ્ટુડન્ટ વિઝા, ટૂર વિઝા, વર્ક પરમીટ તેમજ એરટિકિટ સહીતની તમામ બાબતો વિદેશ જવા માટે પ્રોવાઈડ કરવાના બહાને આ છેતરપિંડી કરાઈ હતી.
આ પ્રકારના ચેતવણીરુપ કિસ્સાઓથી એલર્ટ થઈ જવાની જરુર છે કેમ કે, વિદેશ જવાના ક્રેઝમાં વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ બધુ ભૂલીને કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વિના પૈસા આપી દેતા હોય છે અને પછીથી આ પ્રકારે છેતરપિંડીનો ભોગ બનતા હોય છે ત્યારે અમદાવાદમાં સીજી રોડ પર ચલાવવામાં આવતા વિઝા ઓપરેટરો દ્વારા આ પ્રકારની ઠગાઈ કરાઈ હોવાની વિગતો સામે આવતા ચકચારી વ્યાપી ગઈ છે. આ બે આરોપીઓ આયોજનબદ્ધ રીતે ઓફિસ ખોલીને છેતરપિંડી આચરતા હતા. જેથી અન્વય સુથાર અને રવિ સુથારને ઝડપી લઈ નવરંગપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.