અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલ દાસ ખમણની ચટણીમાંથી જીવડા નીકળતા ગ્રાહકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે વારવાર શહેરમાં આવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. તો બીજી બાજુ શહેરના રિલીફ રોડ પર આવેલ આઝાદ રેસ્ટોરન્ટમાંથી પણ ખાધ પર્દાથમાં જીવડા નીકળવાની ફરિયાદ સામે આવી છે. આ અંગે કોર્પોરેશનના હેલ્થ વિભાગને જાણ કરવામાં આવી હતી.
શહેરના રિલીફ રોડ પર આવેલ આઝાદ હોટલમાં આજે પુરી શાક ખાવા માટે એક વ્યક્તિ ગયો હતો. જયારે તેણે ઓર્ડર કર્યો ત્યારે તેના પુરી શાકની સાથે અથાણું પણ આપવામાં આવ્યું હતું. જોકે, આઝાદ રેસ્ટોરન્ટના અથાણામાંથી જીવડું નીકળતા તેણે આ અંગે મેનેજરને ફરિયાદ કરી હતી. ત્યારે મેનેજરે કહ્યું કે હાલ વરસાદી સિઝન ચાલી રહી છે તો ક્યાથી ઉડીને આવ્યો હશે. તો બીજી બાજુ પ્રખ્યાત દાસ ખમણની ચટણીમાંથી પણ જીવડું નીકળયાની ફરિયાદ એક યુઝરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્વિટર પર ટેગ કરી હતી.
ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓનલાઈન ફરિયાદ લેવાની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડોક્ટર ભાવિન જોશીએ જીવડાં નીકળવા મામલે જણાવ્યું હતું કે હું આ મામલે તપાસ કરાવું છું. બીજી વખત કાર્યવાહી મામલે તેમનો સંપર્ક કરતાં તેમણે ફોન ઉપાડ્યો નહોતો.