રાજ્યમાં આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. વરસાદનાં કારણે રાજ્યનાં ઘણા એવા વિસ્તારો કે જ્યા રોડ-રસ્તાઓની જગ્યાએ ખાડા પડી ગયા હતા, જેને લઇને આજે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે. દર વર્ષે ચોમાસા દરમ્યાન ગુજરાતમાં રોડ-રસ્તાઓની હાલત ખસ્તા થઈ જાય છે.
ઠેર-ઠેર પાણી ભરાઈ જવાને કારણે નવા બનાવેલાં રસ્તાઓનું પણ ધોવાણ થઈ જતું હોય છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લેતાની સાથે જ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતુંકે, જ્યાં-જ્યાં વરસાદને કારણે રોડ-રસ્તાની હાલત ખરાબ છે તે તમામ રસ્તાઓનું ખુબ જ ઝડપથી સમારકામ કરવામાં આવશે. નાગરિકો-રાહદારીઓને કોઈપણ પ્રકારે અગવડતા ન પડે સરકાર તેની પુરતી કાળજી લેશે. જેના ભાગરૂપે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ-રસ્તાઓના સમારકામને મંજૂરી આપી છે. રાજયમાં ભારે વરસાદનાં કારણે આ વર્ષે રાજ્યનાં નગરોમાં માર્ગ રસ્તાઓને થયેલા નુકસાનની મરામત અને રોડ રિસરફેસનાં કામો માટે 74.70 કરોડ રૂપિયા મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત તત્કાલ મંજૂર કરવામાં આવ્યા છે.
CM ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં આ ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને હજુ પણ વરસાદની સ્થિતિ જોતાં શહેરી વિસ્તારોમાં રસ્તા માર્ગોને જે નુકસાન થયું છે તેનું રીપેરીંગ, રિસરફેસ તેમજ નાગરિક સુવિધા વૃદ્ધિનાં માર્ગ મરામત કામોમાં થર્મો પ્લાસટિક રોડ પેઇન્ટ, કર્બ પેઇન્ટ, સ્ટ્રીટ લાઈટ બોર્ડ અને રોડ સેફ્ટીનાં કામો વગેરે માટે આ રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે. આ કામો ઝડપથી હાથ ધરાય અને નાગરિકોને આવાગમન ની સરળતા રહે તેમજ ઓછામાં ઓછી તકલીફ પડે તે હેતુસર તત્કાલ દરેક નગર પાલિકાઓને આ રકમ ફાળવવાનો જનહિત અભિગમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે અપનાવ્યો છે.