મોઢે આવેલો કોળિયો કોઈ છીનવીને લઈ જાય તો કેવુ લાગે. આવુ જ કંઈક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે થયુ. મુખ્યમંત્રીના પદથી સાવ નજીક પહોંચી ગયા બાદ પણ તેમને પદ ન મળ્યું. તેમની ગુજરાતના મુખ્યમંત્રી બનવાની ઈચ્છા ક્યારેય પૂરી ન થઈ શકી. ગુજરાતની નવી સરકારની જાહેરાત બાદ આખરે પહેલીવાર જાહેરમાં નીતિન પટેલનુ આ દર્દ છલકાયુ હતું. મોરબીના એક કાર્યક્રમમાં તેમણે જાહેરમાં એક નિવેદન આપ્યુ હતું. વિવાદાસ્પદ નિવેદનો થકી હંમેશા ચર્ચામાં રહેતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે થોડા સમય પહેલાં થયેલા રાજકીય ફેરફારોને આધીન આજે એવો વસવસો વ્યક્ત કર્યો હતો કે અત્યારે અમારી સ્થિતિ નાણાં વગરના નાથિયા જેવી છે. મોરબી નજીક આવેલા ખોખરાધામ ખાતે એક સમારોહમાં હાજરી આપી તેમણે એક જાણીતી ઉક્તિ…નાણા વગરનો નાથિયો, નાણે નાથાલાલ ટાંકીને પોતાની સ્થિતિ અંગે માર્મિક ટકોર કરી હતી.
મોરબીમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે પોતાના હૃદયની લાગણી જાહેરમાં વ્યક્ત કરી હતી. ખોખરા હનુમાન ધામ ખાતે કેશવાનંદ બાપુ વેદ વિદ્યાલયના ઉદઘાટન સમારોહમાં નીતિન પટેલે હાજરી આપી હતી. જેમાં તેમણે કહ્યું કે, ‘હું નાયબ મુખ્યમંત્રી હતો ત્યારે મને આમંત્રણ મળ્યુ હતું. જો હવે અને હું નાથિયા જેવા થઇ ગયા છે. નીતિનભાઈ પટેલે શરૂઆતમાં મંદિર અને જગ્યા બાબતેની આસ્થા અંગે પોતાની વાત રજૂ કરી હતી બાદમાં તેઓએ જણાવ્યું હતું કે હોદ્દો હોય, પદ પર બિરાજમાન હોય તો અલગ અલગ જગ્યાએથી આમંત્રણ અપાતા હોય છે. હું નાયબ મુખ્યમંત્રી હતો ત્યારે મને આ અંગે આમંત્રણ આપવામા આવ્યું હતું. બાદમાં સરકાર બદલાઈ અને અમને સંગઠનની જવાબદારી મળી. હાલ મારી પાસે કોઈ હોદ્દો ન હોવા છતાં કનકેશ્વરી માતાજીનો ફોન આવ્યો અને મને આ સમારોહમાં ખાસ હાજરી આપવા જણાવ્યું હતું.