અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા અને રાષ્ટ્રપતિ અશરફ ગનીના શાસને જે રીતે ઘૂંટણિયા ટેક્યા ત્યારબાદ અફઘાનિસ્તાનની સ્થિતિ ખુબ ડરામણી અને ભયાનક છે. તાલિબાનનો કબ્જો લગભગ સમગ્ર અફઘાનિસ્તાન પર થઈ ગયો છે. બચવા માટે એરપોર્ટ જ એક સહારો છે. પરિણામે દરેક જણ એરપોર્ટ પહોંચવાની કોશિશમાં છે. હાલાત એટલા બગડી ગયા છે કે એક સમયે તો એરપોર્ટ પર પગ મૂકવાની જગ્યા નહતી.
તાલિબાને ભરોસો અપાવ્યો કે કાબુલમાં રહેલા રાજનયિકોએ ડરવાની જરૂર નથી, પરંતુ આમ છતાં તાલિબાનનો ડર એ હદે લોકો પર હાવી છે કે તેની અસર કાબુલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળી. લોકો અફઘાનિસ્તાન છોડવા માટે કોઈ પણ હાલમાં ફ્લાઈટમાં ચઢવા માટે બેચેન જોવા મળ્યા.
કાબુલ પર કબ્જા સાથે અફઘાનિસ્તાનમાં 20 વર્ષ બાદ તાલિબાનનું શાસન થઈ ગયું ગયું. તાલિબાન રિટર્ન્સના કારણે કાબુલ સહિત સમગ્ર અફઘાનિસ્તાનમાં ત્રાહિમામની સ્થિતિ છે. લોકો કોઈ પણ ભોગે ત્યાંથી ભાગવા માંગે છે. આ લોકોની મદદે કોઈ એજન્સી કે સંસ્થા ત્યાં હાજર નથી. બીજી તરફ, કાબુલ એરપોર્ટ પર ભારે જમાવડો થયો છે. અમુક લોકો ભયથી એવા ભાગ્યા છે કે ઘરમાંથી રૂપિયા કે કીંમતી સામાન સાથે લેવાનું ભૂલી ગયા છે. અફઘાનિસ્તાનના દરેક શહેરમાં બેંકો અને એમ્બેસી બહાર 3 થી 4 કિલોમીટર લાંબી લાઈન લાગી છે. કોઈ પૈસા ઉપાડવા તો કોઈ એમ્બેસીમાંથી પોતાના દેશના વિઝા મેળવવા દિવસ-રાત દોડાદોડી કરી રહ્યા છે. કાબુલમાં ચારેય તરફ અંધાધૂંધીનો માહોલ છે. કાબુલના કેટલાક વિસ્તારોમાં લૂંટફાટ પણ થઈ છે. તાલિબાન પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. 200 જેટલા અફઘાની પણ ભારત પહોંચી ગયા છે. જેમાં અશરફ ગનીના વરિષ્ઠ સલાહકાર અને કેટલાક સાંસદોનો સમાવેશ થાય છે.