અફઘાનિસ્તાનમાં બુધવારે એક મોટો વિસ્ફોટ થયો છે, જેમાં 15 લોકોના મોત થયા છે અને 27 લોકો ઘાયલ થયા છે. આ બોમ્બ વિસ્ફોટ અફઘાનિસ્તાનના સમંગાન પ્રાંતની મધ્યમાં આવેલા આઈબક શહેરમાં થયો હતો. અહીં જાહદિયા મદરેસામાં બપોરની નમાજ બાદ આ વિસ્ફોટ થયો. અફઘાનિસ્તાનની એક ન્યૂઝ ચેનલે પ્રાંતીય હોસ્પિટલના એક ડૉક્ટરને ટાંકીને અહેવાલ આપ્યો છે. અહેવાલ મુજબ, તાલિબાનના એક અધિકારીએ જણાવ્યું કે ઉત્તર અફઘાનિસ્તાનમાં એક મદરેસામાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 10 વિદ્યાર્થીઓ માર્યા ગયા. આ બ્લાસ્ટ બપોરની નમાજ દરમિયાન થયો હતો.
ઉત્તર અફઘાનિસ્તાનમાં એક મદરેસામાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 10 વિદ્યાર્થીઓના મોત થયા છે. જયારે ગૃહ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ નફી ટાકોરે જણાવ્યું હતું કે ઉત્તરી સમંગાન પ્રાંતની રાજધાની આઈબકમાં વિસ્ફોટમાં અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. પ્રવક્તા અબ્દુલ નફી ટાકોરે જણાવ્યું કે આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. હજુ સુધી કોઈ સંગઠને આ વિસ્ફોટની જવાબદારી લીધી નથી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા ફૂટેજમાં એક હોલમાં લોહીથી લથપથ મૃતદેહો પડેલા જોવા મળ્યા હતા. કેટલાક સ્થાનિક મીડિયાનું કહેવું છે કે તાલિબાન અધિકારીઓએ લોકોને વિસ્ફોટના સ્થળે વીડિયો બનાવવા પર રોક લગાવી દીધી છે અને કોઈપણ નાગરિકને મુલાકાત લેવાની મંજૂરી નથી.
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી લગભગ 200 કિમી ઉત્તરે આવેલા આઈબકમાં એક ડૉક્ટરે જણાવ્યું કે મોટાભાગના મૃતકો વિદ્યાર્થીઓ હતા. તેમણે જણાવ્યું કે “આ તમામ બાળકો અને સામાન્ય લોકો છે.” જયારે તાલિબાનનું કહેવું છે કે ગયા વર્ષે દેશ પર કબજો મેળવ્યો ત્યારથી તેનું ધ્યાન યુદ્ધગ્રસ્ત દેશની સુરક્ષા પર છે. તાજેતરના મહિનાઓમાં ઘણા હુમલાઓ થયા છે, જેમાંથી કેટલાકની જવાબદારી ISIL (ISIS) દ્વારા લેવામાં આવી છે.
તાલિબાનના હરીફ ISIS એ ઘણીવાર મસ્જિદો અને નમાજ દરમિયાન વિસ્ફોટ કર્યા છે. તેઓએ ખાસ કરીને અફઘાનિસ્તાનમાં શિયા સમુદાયના સભ્યોને નિશાન બનાવ્યા છે. ઓગસ્ટમાં કાબુલમાં એક મસ્જિદમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 21 લોકો માર્યા ગયા હતા. હકીકતમાં, શૈક્ષણિક કેન્દ્રો પણ બોમ્બ વિસ્ફોટોનું નિશાન બની ગયા છે. ઓક્ટોબરમાં, કાબુલના હજારામાં એક શાળા પર આત્મઘાતી હુમલામાં 52 લોકો માર્યા ગયા, જેમાં મોટાભાગની યુવાન છોકરીઓ હતી.
ગયા વર્ષે તાલિબાને યુએસ સમર્થિત નાગરિક સરકારની હકાલપટ્ટી કરી અને અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યો ત્યારથી વિસ્ફોટો અને હિંસા એક નિયમિત સમસ્યા બની ગઈ છે. અધિકાર જૂથો કહે છે કે તાલિબાને પુરુષો અને સ્ત્રીઓના અધિકારોનું સન્માન કરવાના ઘણા વચનો તોડ્યા છે.