ભારતીય કિસાન સંઘ ભરૂચ જિલ્લા એકમ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને ભરૂચ જિલ્લા કલેકટર દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં વિવિધ કિસાનોની સમસ્યાઓ અંગે ઉકેલ લાવવા વિનંતી કરવામાં આવી હતી જેમ કે ભરૂચ જિલ્લામાં લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવા તેમજ રવિમગનું રજિસ્ટ્રેશન ચાલુ કરવા માંગ કરવામાં આવેલ છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં પાકના વાવેતરના આંકડાઓને ધ્યાનમાં લઇ ખરીદ કેન્દ્રની ફાળવણી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે તેમજ ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અપાયેલ વિગતો મુજબ આયોજન કરવા વિનંતી કરાઇ છે જેમ કે હાલ મગનુ વાવેતર સૌથી વધુ આમોદ અને વાગરા તાલુકામાં છે પરંતુ ખરીદ કેન્દ્ર વાલિયામાં આપવામાં આવ્યું છે જેથી ઘણા ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવવામાં બાકી રહી ગયેલ છે ત્યારે નવા રજીસ્ટ્રેશન અંગે પણ માંગણી કરવામાં આવેલ છે.
હાલ માત્ર 900 થી 1000 જેટલા ખેડૂતોની નોંધણી કરાઈ છે અને અંતિમ તારીખ 24-02-2019 છે પરંતુ બારદાનના અભાવે ખરીદી છેલ્લા 15 દિવસથી બંધ છે તેથી બારદાન ઉપલબ્ધ કરાવી ખરીદીની શરૂઆત કરવામાં આવે અને ખરીદીની તારીખ લંબાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત વીજળીના ભાવ સમાન કરવા તેમજ લેન્ડ-લુઝરોના સંતાનોને નોકરી અંગે યોગ્ય કરવા વિનંતી કરવામાં આવી છે.