આણંદ જિલ્લામાં બાળકોને ખાનગી શાળાનુંં મોંઘુદાટ શિક્ષણ અપાવાનો ક્રેઝ ઘટ્યો છે. કોરોનાકાળમાં આવક ઘટતા આર્થીક ભીંસમાં આવેલા પરિવારોને સરકારી શાળાઓમાં ક્વોલિફાઇડ શિક્ષકો દ્વારા સાવ મફતમાં અપાતા શિક્ષણનું મહત્વ સમજાયું છે. સરકારી શાળાઓમાં સતત સુધરી રહેલા શિક્ષણસ્તરના કારણે પણ હવે આ તરફ વાલીઓનો ઝોક વધ્યો છે.
જિલ્લામાં આ વર્ષે 1485 જેટલા બાળકો ખાનગી શાળાઓને ટાટા બાય બાય કરી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મળવ્યો છે. આણંદ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં કોરોના પહેલાના પાંચ વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતા અનેક શાળાઓને મર્જ કરવી પડી હતી. કેટલાય વાલીઓ એવા હતા જેણે આર્થિક પડકારોનો સામનો કરીને પણ બાળકને ખાનગી શાળામાં દાખલ કરવાનો આગ્રહ રાખતા હતા. અલબત્ત કોરોનાની મહામારી બાદ સમગ્ર ચિત્ર બદલાયું છે.
જિલ્લામાં ચાલુ વર્ષે 1485 બાળકો ખાનગી શાળાઓમાંથી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. જેમાં ધો. 5, 6 અને 7 માં 700 ઉપરાંત બાળકોએ પ્રવેશ મેળવ્યો છે.આણંદ જિલ્લામાં સરકારી શાળાઓમાંથી મોટી સંખ્યામાં વાલીઓ વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓ લઇ જતાં હતા. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં છાત્રોની સંખ્યા ઘટી ગઇ હતી. તેના કારણે કેટલીક શાળાઓને નજીક શાળાઓમાં મર્જ કરવાનો વખત આવ્યો હતો. જોકે ચાલુ વર્ષે ખાનગી શાળાઓમાંથી મોટીસંખ્યામાં સરકારી શાળાઓમાં વિદ્યાર્થી આવતાં વર્ગખંડ પુરતી સંખ્યા થઇ છે.