આમોદ નગરમાં આવેલી બેંક ઓફ બરોડા શાખામાં ખાતેદારોની ભારે ભીડ એકત્ર થયેલી જોવા મળે છે. ખાતેદારો મંડપ ન હોવાને કારણે આ આકરી ગરમીમાં તડકામાં ઊભા રહી ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. એક તરફ દેશમાં અને રાજ્યમાં કોરોના વાયરસનાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. સરકારે રોગ પર નિયંત્રણ માટે દેશમાં લોક ડાઉન જાહેર કર્યું છે. જેમાં ધંધા રોજગાર બંધ થતાં ગરીબ વર્ગની હાલત કફોડી બની છે. ત્યારે કેન્દ્ર સરકારે ગરીબોની સહાય માટે મફત ગેસ સબસીડી અને જનધન ખાતામાં રૂપિયા જમાં કરાવ્યા છે. જેના થકી ગરીબવર્ગને રાહત થાય જોકે સરકાર દ્વારા પૈસા જમાં થતાં જ ખાતેદારોની બેંકોની બહાર ભારે ભીડ એકત્ર થયેલી જોવા મળી રહી છે. બેંક ઓફ બરોડામાં ખાતેદારો આશરે ૭ વાગ્યાથી લાઈનમાં ઉભી રહી જાય છે. બેંકનો સમય 10 વાગ્યાનો હોય જેથી ગામડાઓમાંથી આવતા ખાતેદારોના ટોળેટોળાં ઉમટી પડે છે. 10:30 વાગ્યાની આસપાસ બેંકની કામગીરી શરૂ થાય છે. ગરમીની મોસમ ચાલી રહી છે તાપમાન ખૂબ વધી જાય છે. બેંકની બહાર મંડપ બાંધેલો છોડી નાખવામાં આવ્યો જેથી લોકોને છાંયડો ન મળવાના કારણે લોકો જ્યાં છાંયડો મળે ત્યાં છાંયડો શોધી નીચે જમીન ઉપર બેસી જાય છે જેથી સોશ્યલ ડિસ્ટન્સ પણ જાળવી શકાતું નથી. જેથી બેન્ક બહાર સોશ્યલ ડિસ્ટન્સ જાળવી ઉભા રહી શકાય તે માટે પાડવામાં આવેલા કુંડાળા શોભાના ગાંઠીયા સમાન જોઈ શકાય છે। બેન્ક બહાર પાણી પીવા માટે કૂલર મૂકવામાં આવ્યું છે પરંતુ પાણી પીવા માટે બોટલ કે ગ્લાસ ન હોવાને કારણે લોકોને નિરાશ થઈ તરસ્યા બેસી રહેવું પડે છે. એટીએમમાં પણ રૂપિયા ન હોવાને કારણે જનતાને બેકમાં રૂપિયા ઉપાડવા જવું પડે છે, જેથી ખતાધારકોને ખુબ જ તકલીફોનો સામનો કરવો પડે છે. 8 વાગ્યાથી ઊભા રહેલા ખાતેદારોના બપોરનાં 3 વાગતા પણ નંબર લાગતો નથી આવી આકરી ગરમીમાં ખતાધારકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. જ્યારે અગાઉ આમોદ મિડીયા દ્વારા સમાચાર પ્રકાશિત કર્યા હતા જેથી બેન્ક દ્વારા પાણીના કૂલર મૂકવામાં આવ્યા હતા અને છાંયડા માટે મંડપ બાંધવામાં આવ્યો હતો, ત્યારે ફરીથી બેન્ક સુવિધાઓથી ખાતેદારોને વંચિત કરી રહ્યું છે. આ સમગ્ર મામલે આમોદ મિડીયા દ્વારા બેન્ક મેનેજર સાથે વાતચીત કરી જાણ કરવામાં આવી છે હવે એ જોવું રહ્યું કે બેન્ક દ્વારા ખતાધારકોને સુવિધા આપવામાં આવશે કે પછી લોકો ગરમી તેમજ અસહ્ય તડકામાં ઊભા રહી કોઇ બીમારીને આવકારે તેની વાર જોઈ બેસી રહેશે તે હવે જોવું રહ્યું.
આમોદ : બેંક ઓફ બરોડાની બહાર ખાતેદારોની ભારે ભીડ એકત્ર થયેલી જોવા મળી.
Advertisement