કપાસનું સૌથી વધુ ઉત્પાદન કરતા કાનમ પ્રદેશમાં જ ખેડૂતોનો કપાસ ઘરે પડી રહેતો હોવાથી ખેડૂતોની હૈયાવરાળ બહાર આવી છે. જેમાં આમોદ પંથકમાં કપાસનું મબલખ ઉત્પાદન થયું છે અને બીજી સીઝન ચાલુ થવા આવી છતાં હજુ ખેડૂતોનાં ઘરે ઘરે કપાસનાં ઢગલા ભરેલા છે. હાલમાં ભરૂચ જિલ્લામાં માત્ર પાલેજ ખાતે લહેરી જીનમાં જ સીસીઆઈ તરફથી કપાસ લેવામાં આવી રહ્યો છે. ત્યારે આમોદ પંથકના ખેડૂતોને કપાસ આપવા માટે પાલેજ જવું પડે છે. તેમજ ત્યાં કક્કાવારી પ્રમાણે કપાસ લેવામાં આવતો હોવાથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. જેથી આજરોજ આમોદ ખેતીવાડી ઉત્પાદન સમિતિ ખાતે ખેડૂતોની સેક્રેટરી તેમજ વિસ્તરણ અધિકારીની હાજરીમાં બેઠક મળી હતી જેમાં આમોદ તાલુકાના ખેડૂતોએ જણાવ્યું હતું કે લહેરી જીનમાં દરેક ગામના ભાગે પડતા ત્રણથી ચાર ટ્રેક્ટર કપાસના લેવાઈ તેવી વ્યવસ્થા કરવા ખેતીવાડી સમિતિના સેક્રેટરીને રજુઆત કરી હતી. જેથી ગામવાર ફાળવેલ સાધનની ગોઠવણ ગ્રામ આગેવાન ખેડૂત જાતે કરશે. આ ઉપરાંત ખેડૂતોની મીટિંગમાં આમોદ તાલુકાના સરભાણ તેમજ દોરા ગામ ખાતે પુનઃ જીન ચાલુ કરવાની માંગ કરી હતી. આમોદ પંથકના ખેડૂતો ખેતીવાડી બજાર સમિતિએ મીટિંગ બાદ આમોદ મામલતદાર કચેરીએ પણ ખેડૂતોના કપાસના નિકાલ કરવા માટે મામલતદાર કચેરીએ પણ પહોંચ્યા હતા. પરંતુ ત્યાં મિટિંગ ચાલતી હોય ખેડૂતોએ ભરબપોરે કચેરી બહાર જ માથે હાથ મૂકીને બેસી ગયા હતા અને ત્યારબાદ બે ખેડૂત પ્રતિનિધિઓએ આમોદ મામલતદાર મારફતે તેમની રજુઆત જિલ્લા કૃષિ અધિકારીને સંબોધી જણાવી હતી.
આમોદ પંથકનાં ખેડૂતોનો કપાસ લેવા માટે ખેતીવાડી બજાર સમિતિમાં રજુઆત કરવામાં આવી.
Advertisement