અમદાવાદ નરોડા હંસપુરા રોડ પર બીઆરટીએસ બસની બારી પાસે મંગળળારે એસઓજીએ વોચ ગોઠવીને એક્સેસ ટુવ્હીલર પર એમડી ડ્રગ્સ લઈને પસાર થતા યુવક-યુવતીને ઝડપી લીધા હતા. યુવતી અને યુવક પાસેથી ૩.૩૩ લાખનું એમડી ડ્રગ્સ, મોબાઈલ ફોન, રોક્ડ અને ડ્રગ્સનું વજન કરવા માટેનો કાંટો મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં આરોપીઓ રાજસ્થાનના કનૈયાલાલ પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવી છૂટકમાં વેચતા હોવાની વિગત ખુલી છે.
નરોડા દહેગામ સર્કલ પાસે વ્રજ ગેલેક્ષીમાં રહેતા ચેલારામ ઉર્ફ સતિષ ગંગારામ પ્રજાપતિ (ઉં,૨૭) અને રીંકુ સુરેશ ચૌધરી (ઉં,૨૩)ની પોલીસે ધરપકડ કરી હતી. બંને આરોપી પાસેથી પોલીસે ૩.૩૩ લાખની મત્તાનું ૩૩.૩૦૦ મીલીગ્રામ મેફેડ્રોન, રૂ.૫ હજારનો મોબાઈલ ફોન, રૂ.૨૦ હજારનું મોપેડ અને ૧૩૩૦ની રોક્ડ રકમ અને રૂ.૨૦૦નો વજન કાંટો મળીને કુલ રૂ.૩,૫૯,૫૩૦ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. યુવક અને યુવતી બંને ભેગા મળીને ડ્રગ્સનો ધંધો કરતા હોઈ જથ્થો રાજસ્થાનના કનૈયાલાલ પાસેથી લાવતા હતા. અમદાવાદ શહેરમાં જૂદા જૂદા વિસ્તારમાં ડ્રગ્સના જથ્થાનું છૂટકમાં વેચાણ કરતા હતા.