ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગોના કાંદો નદીમાં નાવ પલટી ખાતા 50થી વધારે લોકોના મોત થયા છે. જ્યારે 60થી વધારે લોકો ગુમ હોવાની માહિતી મલી છે. ઉત્તર પશ્ચિમીના મોંગાલાના ગવર્નરના પ્રવક્તા નેસ્ટર મૈગબાડોએ જણાવ્યું છે કે, 51 લોકોની લાશ મળી ગઈ છે, જ્યારે 60થી વધારે લોકો હજી ગુમ છે. આ દુર્ઘટનામાં 39 લોકોને સુરક્ષીત બચાવી લેવામાં આવ્યા છે. કાંગો નદીમાં ભયંકર ઘટનાઓ બનવી તે સામાન્ય વાત છે. દેશભરમાં રસ્તાઓ ખરાબ પરિસ્થિતિમાં છે તેના કારણે લોકો હોડી દ્વારા યાત્રા કરતા હોય છે.
આ ઉપરાંત હોડીમાં જરૂર કરતા વધારે લોકો સવાર થઇ જાય છે અને લોડ વધી જાય છે તેના કારણે આવી ઘટના સર્જાય છે. કાંગો વાસીઓ માટે લાંબી યાત્રા કરવા માટે એક જ નદી છે અને તે કાંગો નદી છે. કાંગોની અર્થવ્યવસ્થા પણ ખરાબ છે અને તેના લીધે સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધારે ધ્યાન આપી શકતી નથી.આ પહેલાં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગોમાં 15 ફેબ્રુઆરીએ એક બોટ ઉંધી થતાં 60 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં પણ કાંગો નદીમાં જ થઈ હતી.બોટમાં ક્ષમતા કરતાં વધારે લોકોને બેસાડતા હોડી ઉંધી થઈ હતી. દેશના કેન્દ્રીય મંત્રી સ્ટીવ મબિકાયીએ જણાવ્યું છે કે, આ બોટમાં 700 લોકો બેઠા હતા. તેમણે જણાવ્યું કે, આ ઘટના દેશના માઈ-નોમડબે રાજ્યમાં થઈ હતી. બોટ એક દિવસ પહેલાં કિનહાસા રાજ્યમાં મબનડાકા માટે રવાના થઈ હતી. માઈ નોમડબે રાજ્યમાં લોંગગોલા ઈકોતી ગામ પાસે પહોંચતા જ આ બોટ ડૂબી હતી.