આકાશી યુધ્ધ એવા મકરસંક્રાંતિ પર્વની વડોદરા જિલ્લાના કરજણ નગરમાં ભારે ઉત્સાહભેર નગરજનો દ્વારા ઉજવણી કરાઇ હતી. વહેલી સવારથી જ પતંગ રસિયાઓએ પોતાના મકાનોના ટેરેસ પર જઈ પતંગ ઉડાડી મજા માણી હતી. છેલ્લા ત્રણ વર્ષથી કોરોના મહમારીના પગલે ઉત્તરાયણ પર્વની ઉજવણી બંધ રહી હતી. ત્યારે ચાલુ વર્ષે સરકાર દ્વારા કોરોના ગાઈડ લાઈન મુજબ ઉત્તરાયણ પર્વની ઉજવણી છૂટ આપતા પતંગ રસિયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
નગરનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જવા પામ્યું હતુ. છેક મોડી સાંજ સુધી નગરજનોએ પતંગ ઉડાડી આનંદ માણ્યો હતો. તો બીજી તરફ પવનની ગતિ પણ સાનુકુળ રહેતા નગરજનોને પતંગ ઉડાડવાની મજા આવી ગઈ હતી. કરજણ નગર સેવા સદનના કોર્પોરેટર કીર્તિકાબેને નગરજનોને ઉત્તરાયણની શુભકામનાઓ પાઠવી હતી અને સરકારની ગાઈડલાઈન મુજબ ઉત્તરાયણની ઉજવણી થઈ રહી હોવાનું જણાવ્યું હતું. ઉંધિયુ તથા જલેબીની નગરજનોએ જ્યાફત ઉડાવી હતી. ખાસ કરીને યુવા વર્ગ દ્વારા ઉત્તરાયણ પર્વની અનેરી ઉજવણી કરાઇ હતી. યુવા વર્ગ ખૂબ ઉત્સાહમાં દેખાયો હતો. એ કાયપો છે અને લપેટની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
યાકુબ પટેલ, કરજણ