સુરત જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકાનાં ચિતલદા ગામનાં વતની અને હાલ માંડવી તાલુકાનાં પુના ગામે શિક્ષક તરીકે ફરજ બજાવી રહેલા અરુણભાઈ વસાવાએ પરંપરાગત આદિવાસી રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા. આધુનિકતામાં ભુલાતી જતી આદિવાસી સંસ્કૃતિ, રીતિ રિવાજ અને પરંપરાને ઉજાગર કરવા આદિવાસી રીતિ રિવાજ મુજબ લગ્ન કરીને અરુણભાઈ વસાવાએ આજની પેઢી અને સમસ્ત આદિવાસી સમાજને એક હકારાત્મક સંદેશો પહોંચાડયો છે. જે આદિવાસીઓ પોતાનાં રીતિ રિવાજ છોડી વિદેશી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે તેઓ માટે આ લગ્ન એક પ્રેરણારુપ ઉદાહરણ છે.
ભુલાતી જતી સદીઓ પૂર્વેની પરંપરાગત આદિવાસી રીતિ રિવાજ મુજબની વિધિને પુનઃજીવિત કરવાની ખુબ જ સરાહનીય પહેલ કરીને અરુણભાઈ વસાવાએ સમાજને આદિવાસી સંસ્કૃતિ બચાવી રાખવાનો સંદેશો આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. અરુણભાઈ વસાવા હંમેશા આદિવાસી સમાજ માટે અગ્રેસર રહીને આદિવાસી સંસ્કૃતિને બચાવવાનો પ્રયાસ કરતા રહ્યા છે. એક શિક્ષિત, જાગૃત યુવાન અને વ્યવસાયે શિક્ષક એવા અરુણભાઈ વસાવાએ પરંપરાગત આદિવાસી રીતિ રિવાજ મુજબ લગ્ન કરીને સમાજનાં અન્ય શિક્ષિત અને સંપન્ન લોકોને પણ આદિવાસી રીતિ રિવાજ મુજબ જ લગ્ન કે અન્ય પ્રસંગો ઉજવવાની પહેલ કરી છે. પ્રથમ તો આદિવાસી સંસ્કૃતિની ઓળખસમી વારલી પ્રિન્ટિંગ દ્રારા કંકોતરી છપાવી, લગ્ન મંડપનો ગેટ પણ વારલી પેઈન્ટિંગથી સુશોભિત કર્યો, ગેટ પાસે પરંપરાગત આદિવાસી દેવો, કોઠાર, બિરસા મુંડા અને યાહા મોગીનો ફોટો સ્થાપિત કર્યો. લગ્ન સ્ટેજની પાછળ પ્રકૃતિ મુક્તિ અને માનવ મુક્તિનો સંદેશો આપતું બેનર લગાવીને પ્રકૃતિ અને પર્યાવરણને બચાવવાનો સંદેશો પુરો પાડ્યો હતો. તેમજ પરંપરાગત આદિવાસી પરિધાનમાં સ્ટેજ પર ઉપસ્થિત રહીને આદિવાસી પહેરવેશની ઝલક જોવા મળી હતી. લગ્ન પ્રસંગની તમામ વિધિઓ આદિવાસી રીતિ રિવાજ મુજબ જ કરવામાં આવી હતી. ચિતલદા ગામની બહેનોએ પણ પરંપરાગત આદિવાસી પહેરવેશ પહેરીને આદિવાસી ઢોલને તાલે આદિવાસી નાચણું કરી લગ્નની શોભા વધારી હતી. આદિવાસી પરંપરા અને રીતિ રિવાજ મુજબ લગ્ન કરીને આજની પેઢીને એક હકારાત્મક સંદેશો આપતા અરુણભાઈ વસાવાનાં આ પ્રયાસની ચારેબાજુથી પ્રસંશા થઈ રહી છે. આદિવાસીઓનાં અસ્તિત્વ અને ઓળખસમી આદિવાસી સંસ્કૃતિને બચાવી રાખવા સમસ્ત આદિવાસી સમાજે તમામ પ્રસંગો પરંપરાગત આદિવાસી રીતિ રિવાજ મુજબ કરવા જોઈએ.
વિનોદ મૈસુરિયા : વાંકલ
સુરત : ઉમરપાડાનાં ચિતલદા ગામે પરંપરાગત આદિવાસી રીતિ રિવાજ મુજબ લગ્ન વિધિને પુનઃજીવિત કરવાની પહેલ.
Advertisement
1 comment
Very nice