નવસારી જિલ્લાના રાનકુવા ગામે કણબી પટેલ સમાજના જેમસન પરિવાર દ્વારા સમાજના યુવાનો ક્રિકેટ ક્ષેત્રે આગળ આવે તેમજ અન્ય રમત ગમત ક્ષેત્રે આગળ આવે એ હેતુથી પોતાની 7 એકર જમીનમાં એક ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે. આ ક્રિકેટ ગ્રાઉન્ડ તેમણે પોતાની હયાત માતા જમનાબેન વસંતજી પટેલના નામે તૈયાર કરી સમાજને અર્પણ કર્યું છે. જેનું આજરોજ સ્વામિનારાયણના સંતો દ્વારા અને દાતા પરિવારના દિલીપભાઇ વસંતજી પટેલના હસ્તે ખુલ્લું મુકાયું છે. આ ક્રિકેટ ગ્રાઉન્ડના ઉદ્ધઘાટન સાથે અહીં વલસાડ અને નવસારી જિલ્લાના પટેલ સમાજની 11 ટીમો સાથે એક ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરાયું છે. આ આયોજનમાં દાતા પરિવારના સભ્ય અને વલસાડ અને નવસારી પટેલ સમાજના પ્રમુખ રમેશભાઇ વસંતજી પટેલે મહત્વનો ભાગ ભજવ્યો છે. કોરોના કાળમાં આ ટુર્નામેન્ટ પ્રેક્ષકો વિના ચાલશે.
સમાજના ઉત્થાન માટે હંમેશા તત્પર રહેતા જેમસન પરિવારે કોરોના કાળમાં વલસાડ પાલિકાને એક એમ્બ્યુલન્સ પણ આપી હતી. જેનો ઉપયોગ તમામ ન્યાત જાત કે ધર્મના ભેદભાવ વિના થઇ રહ્યો છે. ત્યારબાદ તેમના દ્વારા હાલ સમાજને ક્રિકેટ એકેડેમીની ભેટ અપાઇ છે. આ સિવાય આ પ્રસંગે તેમના દ્વારા સમાજના બાળકો અને યુવાનોના ઉત્થાન માટે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં સેવા માટે રૂ. 25 લાખની રકમનું દાન પણ અપાયું છે. ક્રિકેટ ગ્રાઉન્ડ અને એકેડેમીના ઉદ્ઘાટન પ્રસંગને સફળ બનાવવામાં સમાજના રાબડા ગામના રહીશ અને વકીલ એવા ચેતન પટેલ અન્ય અગ્રણીઓમાં તેજસ પટેલ, જીતુ પટેલે ભારે જહેમત ઉઠાવી હતી.
કાર્તિક બાવીશી