માંગરોળ તાલુકામાં ૭૦૦ કરોડના ખર્ચે નિર્માણ થઈ રહેલી અને ખેડૂતો માટે આશીર્વાદરૂપ જીવાદોરી સમાન બનનારી વડ ગોડધા ઉદૃવહન સિંચાઇ યોજનાની પાઈપલાઈનમાંથી વારંવાર ચોર ઈસમો દ્વારા ચેકવાલની ચોરીઓ થઈ રહી છે છતાં ચોર ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી નહીં થતાં 700 કરોડની ઉદૃવહન સિંચાઇ યોજના લાંબેગાળે બંધ થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. હાલમાં તાલુકામાં આ સિંચાઈ યોજનાથી વંચિત રહેલા ગામોના ખેડૂતો માટે સિંચાઇ યોજનાનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે અને જરૂરી ગ્રાન્ડ પણ ફાળવી દેવામાં આવી છે.
એક વર્ષ અગાઉ માંગરોળ તાલુકાના વાંકલ સહિત આસ પાસના બિનપિયત વિસ્તાર માટે રાજ્ય સરકાર દ્વારા વડ ગોડધા ઉદૃવહન સિંચાઇ યોજનાનું કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતુ. ગત વર્ષ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આ યોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, આ યોજના પ્રથમ તબક્કામાં કાર્યરત થઇ છે યોજના શરૂ થતાં જ ચોર ઈસમોએ પાઇપ લાઇનમાં વપરાતા ચેકવાલની સંખ્યાબંધ ગામની સીમમાંથી ચોરી કરી હતી. આ સંદર્ભમાં ગત વર્ષે સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા ચોર ઈસમો વિરુદ્ધ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી પરંતુ યોગ્ય પ્રકારની કાર્યવાહીના અભાવે ફરી આ વર્ષે ઠેર ઠેર કીમતી ચેકવાલની ચોરીઓ થઈ રહી છે જેના કારણે મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થઇ રહ્યો છે તેમજ ખેડૂતોનો કૃષિ પાક બગડી રહ્યો છે. આ પરિસ્થિતિનું નિર્માણ થતાં ખેડૂતોની ઉઠી રહેલી ફરિયાદ સંદર્ભમાં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શામજીભાઇ ચૌધરી, માજી ધારાસભ્ય રમણભાઈ ચૌધરી, મહામંત્રી શાહબુદ્દીન મલેક સહિતના આગેવાનોએ ઉદૃવહન સિંચાઇ યોજનાની પાઇપ લાઇનનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું અનેક ગામોમાં ચોર ઈસમોએ દ્વારા પાઈપ લાઈનમાંથી ચેકવાલની ચોરી થયા અંગેની ફરિયાદો ખેડૂતોએ કરી છે. કોંગ્રેસના આગેવાનો દ્વારા ચોરીના બનાવો અટકાવવા માટે અને મહત્વકાંક્ષી સિંચાઈ યોજનાનો ખેડૂતોનેને લાભ મળી રહે તે માટે ચોક્કસ પ્રકારની કાર્યવાહી કરી ચોરીના બનાવો અટકે તેવી માંગ તેઓ કરી રહ્યા છે સાથે તેઓએ જ્યારે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ઉદૃવહન સિંચાઈ યોજનાનું નિર્માણ થયું છે ત્યારે ખેડૂતો પણ પોતાની જવાબદારી સમજે અને ગ્રામ સમિતિઓ બનાવી આ યોજનાનું રક્ષણ થાય તેવા પ્રયાસ કરે એવું પણ કોંગ્રેસના આગેવાનો દ્વારા ખેડૂતોને સૂચન કરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં કોંગ્રેસના આગેવાનોએ સિંચાઈ યોજના જવાબદાર અધિકારીઓ તેમજ પોલીસ તંત્રને રજૂઆત કરી ખેડૂતોના હિતમાં લડત ચલાવશે તેમ જણાવ્યું હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ